ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના રમતવીરોને ઉચ્ચ કક્ષાની તાલીમ મળે તે માટે ગુજરાત સરકારે સ્થાપેલી સંસ્થાઓ અને પહેલો વિશે માહિતી આપી હતી. ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાવાની અપીલ કરતા તેમણે જણાવ્યું હતુ કે, ફિટનેસ માત્ર શબ્દ ન બની રહેતાં તે જીવનનો એક ભાગ બનવો જોઇએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ઈન ફીટ ઇન્ડિયાના સંકલ્પમાં અગ્રેસર રહેશે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી કિરેન રિજિજુએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન કર્યું હતું અને ગુજરાત ખેલ મહાકુંભ 2019નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતાં.