- 13 એપ્રિલે વિક્રમ સંવત 2077ની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ
- અશ્વિની નક્ષત્રનો સુખદ સંયોગ
- કોરોનાના નાશ માટે થશે શક્તિ ઉપાસના
અમદાવાદ: વિક્રમ સંવત-2077ની ચૈત્રી નવરાત્રિનો 13 એપ્રિલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આવતી કાલે મંગળવાર છે અને સાથે-સાથે અશ્વિની નક્ષત્રનો સંયોગ થવા જઈ રહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં વર્ષ દરમિયાન આવતી બે નવરાત્રિ એટલે કે આસો માસની નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રિ ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ મનાય છે.
આ પણ વાંચો:પાટણમા બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજન કરાયું
કોરોનાને દૂર કરવા આદ્યશક્તિને રિઝવવા થશે પ્રાર્થના
આ ચૈત્રી નવરાત્રિએ કોરોના સંક્રમણ ભારતમાં અને સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે. આદ્યશક્તિનાં નવ રૂપો પૈકી 13 એપ્રિલે પ્રથમ રૂપ શૈલપુત્રીની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માતાજીના બીજ મંત્રનો જાપ કરાશે, આનંદના ગરબાનું પઠન થશે, એકટાણું કરાશે, બાળાઓને જમાડવાનું અને પૂજનનું પણ મહત્વ છે. આ સમયગાળામાં લોકો પોતાના ઘરમાં હોમ હવનનું આયોજન તેમજ ચંડીપાઠ પણ કરતા હોય છે.