- કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપે નોંધાવ્યો વિરોધ
- રાહુલ ગાંધીએ ગુજરાતીઓ અંગે આપેલા નિવેદનનો ભાજપમાં રોષ
- વિરોધ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ઉડ્યા ધજાગરા
અમદાવાદઃ રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો ભાજપે વિરોધ કર્યો છે. આ વિરોધના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યાં હતા. આ સાથે જ ભાજપે રાહુલ ગાંધી માફી માગેની માગ કરી હતી. વિરોધ કરતાં ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું કે, જો રાહુલ ગાંધી માફી નહીં માગે તો સમગ્ર ગુજરાતમાં પ્રદર્શન કરવામાં આવશે. આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. જો કે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપે નોંધાવ્યો વિરોધ ભાજપના સિનિયર નેતાઓ સહિત મોટી સંખ્યમાં કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ
કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, પૂર્વ મેયર અમિત શાહ અને બિજલ પટેલ સહિતના કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈને રાહુલ ગાંધીને માફી માગવા અંગે કહ્યું હતું. આ સાથે જ કોંગ્રેસ મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા.
રેલીમાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા તે દરમિયાન ચાના મજૂરોને લોભાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, આસામમાં ચાના બગીચામાં મજૂરોને રોજના 167 રૂપિયા મળે છે, જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વેપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. રાહુલ ગાંધી આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધીના નિવેદન આસામથી ગુજરાત સુધીનું રાજકારણ પણ ગરમાયું હતું.
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપે નોંધાવ્યો વિરોધ ગુજરાતના CMનો રાહુલ પર પલટવાર
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ જનતા યોગ્ય જવાબ યોગ્ય સમયે જ આપી બતાવશે. રાહુલ ગાંધીના નિવેદન પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પલટવાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીના શબ્દો અને તેમની કોંગ્રેસ પાર્ટીની ગુજરાતીઓ પ્રત્યેની નફરતને બતાવે છે. ગુજરાત ધ્રુણીત નફરતને સ્વીકારવા તૈયાર પણ નથી. દરેક ગુજરાતી કોંગ્રેસ પાર્ટીને આનો સખત જવાબ આપશે.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. સી.આર.પાટીલે કહ્યું કે, રાહુલ ગાંધીના ગુજરાતીઓ માટે શરમજનક શબ્દ તેમની બિમાર માનસિકતા અને ગુજરાત માટે નફરતને દર્શાવે છે. આ પ્રથમ વખત નથી, જ્યારે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતના લોકો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વ્યાપક રીતે હરાવશે અને તેનો સીધો જ દોષ રાહુલ ગાંધીનો ગણવામાં આવશે.
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના કાર્યકરોમાં રોષ
ભાજપના નેતા આઈ.કે.જાડેજા, ધારાસભ્ય અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ તેમ જ ભાજપના કાર્યકરો રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે ધસી ગયા હતા. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો અને નેતાઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમણે રાહુલ ગાંધી માફી માગેની માગ કરી હતી. આ સાથે જ કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા, જ્યારે કેટલાક કાર્યકરોએ ગુજરાતને અન્યાય બંધ કરો, કોંગ્રેસ વાલો શરમ કરો જેવા બેનર સાથે જોડાયા હતા તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ સામે ઊભા રહીને ભાજપનો વિરોધ નોંધાવી રહ્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશી સહિત કેટલાક કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયના દરવાજા પાસે ઉભા રહીને ભાજપનો વિરોધ નોંધાવ્યો હતો.
મુખ્યપ્રધાન રૂપાણી કોરોના પોઝિટિવ અને કાર્યકરો કરી રહ્યા છે નિયમ ભંગ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ છે, તેવામાં કાર્યકરો દ્વારા આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવતાં સામાન્ય નાગરિકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. કારણ કે, મુખ્યપ્રધાન કોરોના પોઝિટિવ હોય અને તે દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોય છે, પરંતુ ભાજપના કાર્યકરોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા ઉડ્યા હતા. સત્તાધારી પક્ષ જ્યારે નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે, ત્યારે નાગરિકોને શું સંદેશ આપવાનો તે તો રામ જાણે તેવી સ્થિતિ જોવા મળી છે.
વિરોધમાં મોટાભાગના નારાજ અને કપાયેલા જ કાર્યકરો જોવા મળ્યા
ભાજપ કાર્યકરોએ નોંધાવેલા વિરોધમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટમાં કપાયેલા મનપાના પૂર્વ નેતા અમિત શાહ, ખાડિયા વોર્ડના ભાવના નાયક, શાહપુર વોર્ડના ફાલ્ગુની શાહ સહિતના કાર્યકરો વિરોધમાં જોડાયા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકો એક તરફ પક્ષથી નારાજ છે. ભાજપ અધ્યક્ષ પાટીલે જે પ્રકારે નિર્ણય લીધો છે તેને વખોડયો પણ છે. કારણ કે, તેમના પરિવારના સભ્યને પણ ટિકિટ આપી ન હોવાથી નારાજ હોવા મળી રહ્યા છે, ત્યારે આજે સોમવારે વિરોધમાં તે જોડાતાં કોંગ્રેસે પણ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, નારાજ ભાજપ કાર્યકરો માત્ર દેખાડો અને નાટક કરવા જ અહીં આવ્યા છે.