- આઈશાનો પતિ આરિફ આર્થિક રીતે સદ્ધર હોવાનું સામે આવ્યું
- આરિફ આઈશાના પિતા પાસે અવારનવાર પૈસાની માગણી કરતો
- આઈશાના પિતાએ આરિફને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા
અમદાવાદઃ આઈશા આત્મહત્યા કેસમાં પોલીસે તેના પતિ આરિફની ધરપકડ કરી હતી, જે બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, પોલીસે આ અંગે પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરિફની ઝાલોરમાં 4 દુકાનો અને 3 ભવ્ય મકાન છે. તેની પોતાની મહિનાની આવક રૂ. 50 હજાર હતી. આરિફ અને તેના પિતા ઝાલોરમાં માઈનિંગ ફેક્ટરીમાં નોકરી કરે છે. સારો પગાર હોવા છતાં આરિફ વારંવાર આઈશાના પિતા પાસે પૈસાની માગ કરતો હતો. આઈશાના પિતા પૈસા આપવાની ના પાડતા ત્યારે ત્યારે તેના સાસરિયામાંથી પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું અને ત્રાસ આપવામાં આવતું હતું. આઈશાના પિતાએ કહ્યું હતું કે, તેમણે પોતાના દીકરાઓ માટે મકાન બનાવવા પૈસા ભેગા કર્યા હતા, પરંતુ આઈશાના પતિએ પૈસા માગતા તેમણે તેને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ પણ અવારનવાર આઈશા પાસે તેનો પતિ પૈસા માગતો હતો.
વાંચો : આઈશા આત્મહત્યા કેસઃ કોર્ટે પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા