આત્મનિર્ભર મંત્રઃ સ્વદેશી અપનાવો, ગાંધીઆશ્રમ દ્વારા ખાદીના માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણ - ETVBharat
પીએમ મોદીએ જ્યારથી આત્મનિર્ભર મંત્ર ભણ્યો છે ત્યારથી ગાંધીજી અને સ્વદેશીનું વાતાવરણ જીવંત થઈ ગયું છે. ત્યારે ગાંધીઆશ્રમને કેમ ભૂલી જવાય! આત્મનિરભરતાનો સિક્કો એટલે ખાદી એમ ચોક્કસ કહી શકાય. ગાંધીઆશ્રમમાં હાલ ખાદીના માસ્ક તૈયાર થઈ રહ્યાં છે અને તેનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે લોકોને અપીલ કરી છે. તેમ જ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા આહવાન આપ્યું છે. જ્યારે કોરોનાથી બચાવ માટે માસ્ક હવે જીવનમાં ફરજ બની ગયો છે. કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહી છે અને અમદાવાદમાં પણ કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ગાંધીઆશ્રમ સામે આવેલા ઇમામ મંઝિલ ખાદી વણાટ અને વેચાણ કેન્દ્રમાં રોજના 100 જેટલા ખાદીના માસ્ક બનાવી આશ્રમની આસપાસની સોસાયટીમાં મફત આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 1200 જેટલા માસ્ક આશ્રમમાં રહેતાં લોકોના પરિવારને નિઃશુલ્ક આપવામાં આવ્યાં છે.