અમદાવાદ: ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં એક મહિલા સહિતના આરોપીઓએ આ 2 વેપારીઓને સુરતથી અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. બન્નેને એક જગ્યાએ લઈ જઈને માર માર્યો હતો. મહિલાએ આરોપીઓને ધમકી આપી હતી કે, જો પૈસા નહીં આપો તો મારી સાથે તમારા નગ્ન ફોટો ક્લિક કરીને વયરલ કરી દઈશ.
સુરતના જકાતનાકા પાસે રહેતા મહેશભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 25મી ઓગસ્ટના રોજ તેના મિત્ર કમલેશ ગોહિલ દક્ષા દેસાઈ નામની કોઈ મહિલાને લઈને તેમની ઓફિસ આવ્યા હતા. જ્યાં કમલેશે કહ્યું હતું કે, અમદાવાદમાં તે દક્ષાબેન સાથે ભાગીદારીમાં કામ કરે છે. કમલેશે ફરિયાદી પાસે રૂપિયા બે લાખની માંગણી કરી હતી. જો કે, લોકડાઉન બાદ ધંધો ન હોવાથી ફરિયાદીને ચેતન દેવા પાસે જૂના વેપારના રૂપિયા લેવાના બાકી હોવાનું કહ્યું હતું. જે બાદ 12મી સપ્ટેમ્બરના રોજ કમલેશે ફરિયાદીને ફોન કર્યો હતો કે, ચેતન દેવાનો ભાઈ કાલે અમદાવાદ આવે છે. તમે પણ આવી જજો કહેતા બીજા દિવસે ફરિયાદી તેના ભાગીદાર ભાવેશ કપોપરા સાથે અમદાવાદ આવ્યા હતા. કમલેશે આ બન્નેને વિરાટનગરની એક ઓફિસમાં બોલાવ્યા હતા. જ્યાં કમલેશ, દક્ષા, રાજુ, મનોજ પરમાર અને રાજુ ભરવાડ તેમજ ભગાભાઈ હાજર હતા. દક્ષાએ મહેશભાઈ અને તેના ભાગીદારના મોબાઈલ છીનવી લીધા હતા. તેમજ ખિસ્સાના પૈસા પણ લઈ લીધા હતા. જે બાદ બન્નેને માર મારી ધમકી આપી હતી કે, જો રૂપિયા 50 લાખ નહીં આપો તો હું મારી સાથે તમારા નગ્ન ફોટો પડાવી વાયરલ કરી દઈશ. એટલું જ નહીં આ સાથે દક્ષાએ વેપારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી ગભરાઈ જઈને વેપારીએ તેના ભાઈને ફોન કરી રૂપિયા માંગ્યા હતા.