ડાયનાસોર ફોસિલ પાર્કના લોકાર્પણની ગણતરીની કલાકોમાં જ પાર્કની સામે લારીવાળો રમકડાંના ડાયનાસોર વેચતા નજરે પડ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવેલું આ ડાયનોસોર પાર્ક સ્થાનિક લોકો માટે રોજગારી અને આવકનુ માધ્યમ બની રહેશે. ડાયનાસોર પાર્કની સામે લારી પર અલગ અલગ પ્રકારના રમકડાના ડાયનાસોર વેચતા નટુભાઈએ જણાવ્યું હતું કે દેશ - વિદેશના લોકો ડાયનાસોર પાર્કની મુલાકાતે આવશે ત્યારે યાદગીરીના ભાગરૂપે ઉપલબ્ધ રમકડાના ડાયનાસોર ખરીદશે એવી આશા વ્યક્ત કરી હતી.
લારીવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે અચાનક આટલા ઓછા સમયમાં આવા ડાયનાસોર ક્યાંથી લઈ આવ્યા તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ડાયનાસોર પાર્કનું ઉદ્ધઘાટન કરવામાં આવશે એની અગાઉની જાણ હોવાથી અમદાવાદથી આ રમકડાના ડાયનાસોર લઈને અહીં વેચવા લાવ્યો છું. પાર્કના ઉદ્ધઘાટન બાદ સ્થનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લોકો પ્રમાણે અહીં પાર્ક શરૂ થવાથી બાજુમાં આવેલી હોટેલને પણ વધુ ગ્રાહકો મળશે. સરકાર દ્વારા પાર્કને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હોવાથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે અને આવકમાં વધારો થવાની શકયતા વ્યક્ત કરી હતી.