- 1947 માં સાબરમતીનું પાણી પીવા લાયક હતું : કોર્ટ
- લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે પગલાં લેવાવા જોઈએ
- લોકોના આરોગ્ય માટે હાનીકારક પાણીને ખેતરો સુધી ન લઈ જવા જોઈએ
અમદાવાદ : સાબરમતી નદી ( Sabarmati river )નાં પ્રદૂષણને લઈને આજે ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટ( Gujarat High Court )માં દાખલ સુઓમોટો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે GPCB અને AMCને નિર્દેશ કર્યો હતો કે, જે લોકોએ નદીને દૂષિત કરી છે તેમના નામ જનહિતમાં જાહેર કરવામાં આવે. નદીના પાણીને પ્રદુષિત કરીને ખેતરો સુધી લઈ જવા ઉપર પણ કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વધુમાં મીરોલી પીયત સહકારી મંડળીને સાબરમતીના પાણીનો ઉપયોગ કરવા પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
કોર્ટે સુનાવણી દરમિયાન શું નોંધ્યું ?
કોર્ટે સાબરમતી નદીનું પાણી પ્રદુષિત થવા ઉપર નારાજગી વ્યક્ત કરી હતી. આ કોર્ટે કહ્યું હતું કે, 1948 માં સાબરમતીનું પાણી પીવા લાયક હતું, પરંતુ આજે નદીનું પાણી પ્રદુષિત છે. એફલ્યુઅંટ પાણી ટ્રીટ કર્યા વિના જે લોકો પણ સુવેજની લાઈનમાં પાણી ઠાલવી રહ્યા છે. તેમની સામે પગલાં લેવામાં આવવા જોઈએ. વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે, આવા લોકોના નામ જનહિતમાં જાહેર થવા જોઈએ. કોર્ટે સૌથી વધુ નારાજગી વ્યક્ત કરી હતી કે, જે પાણી લોકોના આરોગ્ય માટે હાનીકારક છે, તેને ખેતરો સુધી કઈ રીતે લઈ જઈ શકાય. આ માટેની મંજૂરી કોણ આપી રહ્યું છે ? તેવો વેધક સવાલ પણ કોર્ટે કર્યો હતો. વધુમાં કોર્ટે મીરોલી પિયત સહકારી મંડળીને સાબરમતી નદીના પાણીનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો હતો.
શું કહે છે કોર્ટ મિત્ર હેમાંગ શાહ ?
કોર્ટ મિત્ર હેમાંગ શાહે મીડિયાને જણાવ્યું હતું કે, કોર્ટે નોંધ્યું છે કે નદી આપણા શહેરની વચ્ચેથી પસાર થાય છે તો આપણે તેની સંભાળ રાખવી જોઈએ. 1947 માં નદી પ્રદુષિત ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું, પરંતુ આજે નદી પ્રદુષિત થઈ ગઈ છે. આ સિવાય કોર્ટે AMC અને GPCB ને નિર્દેશ કર્યો છે કે તેઓ એફલ્યુઅંટ છોડતી તમામ એકમો અને બીજી અન્ય વિગતો કોર્ટે નિમેલા ટાસ્ક ફોર્સને સોંપે. CEPT પ્લાન્ટની પણ તમામ વિગતો ટાસ્ક ફોર્સને આપવા કોર્ટે હુકમ કર્યો હતો. વધુમાં કોર્ટે આકરું વલણ અપનાવતા કહ્યું હતું કે, હવે જો કોઈ પણ નદીમાં ટ્રીટમેન્ટ વિનાનું પાણી નદીમાં ઠાલવાતું દેખાશે તો તેમને સીલ કરવામાં આવશે, તેમજ આવા એકમોના નામ પણ જાહેર કરવામાં આવશે.