કેપ ટાઉન: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મંગળવારે નાના ટ્રેક્ટરની નવી શ્રેણીનું અનાવરણ કર્યું છે. આગામી ત્રણ વર્ષમાં ટ્રેક્ટરની નિકાસ બમણી કરવાની યોજના ધરાવે છે. વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગયા નાણાકીય વર્ષમાં લગભગ 18,000 ટ્રેક્ટરની નિકાસ કરી હતી. કંપનીએ કહ્યું કે, તેણે ટ્રેક્ટર માટે OJA પ્લેટફોર્મના વિકાસ પર રૂપિયા 1,200 કરોડનું રોકાણ કર્યું છે. આ પ્લેટફોર્મ પર 20-70 એચપીની ક્ષમતા ધરાવતી પ્રોડક્ટ બનાવી શકાય છે.
કંપનીનો ઉદ્દેશ્યઃમહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ઉદ્દેશ્ય ખાસ કરીને ભારત, યુએસએ અને આસિયાન પ્રદેશમાં, નવી શ્રેણી સાથે નાના ખેડૂતોની જરૂરિયાતોને પૂરી કરવાનો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રમુખ (કૃષિ સાધનો) હેમંત સિક્કાએ જણાવ્યું હતું કે, OJA બ્રાન્ડ કંપનીને તેનો બજારહિસ્સો વધારવામાં અને નવા બજારોમાં પ્રવેશવામાં મદદ કરશે. તેમણે કહ્યું, "અમે ત્રણ વર્ષમાં અમારા નિકાસના આંકડા બમણા કરવા માટે વિચારી રહ્યા છીએ. આ લક્ષ્યાંક હાંસલ કરવામાં OJA ટ્રેક્ટર્સ મહત્વપૂર્ણ સાબિત થશે."