નવી દિલ્હી:દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની Hero MotoCorp એ તેના ઇલેક્ટ્રિક સ્કૂટર Vida V1 Proની કિંમતમાં લગભગ રૂપિયા 6,000નો વધારો કર્યો છે જ્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પરની સબસિડીમાં ઘટાડો થયો છે. આ વધારો 1 જૂનથી અમલમાં આવ્યો છે. કંપનીનું ફ્લેગશિપ ઇલેક્ટ્રિક સ્કૂટર Vida V1 Pro હવે FAME-2 સબસિડી અને પોર્ટેબલ ચાર્જર સહિત રૂપિયા 1,45,900માં ઉપલબ્ધ થશે. આ અગાઉના ભાવ કરતાં આશરે રૂપિયા 6,000 નો વધારો છે.
સબસિડી મર્યાદા ઘટાડીને 15 ટકા કરી: જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કંપનીના એક ડીલરે આ વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે કંપનીએ 1 જૂનથી FAME-2 હેઠળ સબસિડીમાં ઘટાડાનો મોટાભાગનો બોજ પોતે ઉઠાવ્યો હતો અને તેનો મર્યાદિત બોજ ગ્રાહકોને આપ્યો હતો. જોકે, આ અંગે કંપની તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભારે ઉદ્યોગ મંત્રાલયે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે મહત્તમ સબસિડી મર્યાદા (એક્સ-ફેક્ટરી કિંમત) 40 ટકાથી ઘટાડીને 15 ટકા કરી છે.