નવી દિલ્હી: શ્રમ અને રોજગાર અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના કેન્દ્રીયપ્રધાન ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં EPFની 233મી બેઠક યોજાઈ હતી. જેમાં EPFO દ્વારા કર્મચારીઓને મળતા પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. ઇપીએફઓના નિર્ણયથી અંદાજે 7 કરોડ કર્મચારીઓને ફાયદો થશે.
EPFના વ્યાજદરમાં વધારો: EPFO એ તેની બેઠકમાં 2022-23 માટે કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.15 ટકા વ્યાજનો દર નક્કી કર્યો હતો. જે માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે EPF પરના વ્યાજને તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સ માટે 8.10 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડી દીધું હતું. જો કે આ વ્યાજ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો અને સરકારના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો.
કર્મચારીઓને ફાયદો: 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકા વ્યાજ દર માર્ચ 2021 માં CBT દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. CBTના નિર્ણય પછી 2022-23 માટે EPF થાપણો પરના વ્યાજ દરને સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની બહાલી પછી, 2022-23 માટે EPF પર વ્યાજ દર EPFOના પાંચ કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.
શ્રમપ્રધાને કરી જાહેરાત: સેન્ટ્રલ બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે સભ્યોના ખાતામાં EPF સંચય પર 8.15% વાર્ષિક વ્યાજ દરની ભલામણ કરી હતી. નાણા મંત્રાલયની મંજૂરી પછી વ્યાજ દર સત્તાવાર રીતે સરકારી ગેઝેટમાં સૂચિત કરવામાં આવશે. જેના પગલે EPFO તેના સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં વ્યાજનો દર જમા કરશે. EPFO એ રોકાણ પ્રત્યે સતત સમજદાર અને સંતુલિત અભિગમ અપનાવ્યો છે. જેમાં સાવચેતી અને વૃદ્ધિના અભિગમ સાથે મુખ્યની સલામતી અને જાળવણી પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.