નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડે નાણાકીય વર્ષ 2019-20 માટે 57,128 કરોડ રૂપિયાના વધારાને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય બોર્ડે ઇમરજન્સી રિસ્ક બફરને 5.5 ટકા પર જાળવવાનો નિર્ણય લીધો છે.
રિઝર્વ બેન્કની રજૂઆત મુજબ શક્તિકાંત દાસના નેતૃત્વમાં શુક્રવારે મળેલી બોર્ડ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી. આ કેન્દ્રીય બોર્ડની 584મી બેઠક હતી.
બોર્ડની બેઠકમાં હાલની આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિક અને સ્થાનિક પડકારો અને કોવિડ-19ના આર્થિક પ્રભાવને દૂર કરવા માટે કેન્દ્રીય બેન્ક દ્વારા લેવામાં આવતા નાણાકીય, નિયમનકારી અને અન્ય પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી.