મીડિયામાં આવેલા તમામ રીપોર્ટસ અનુસાર નાણા મંત્રાલયના અહેવાલમાં કહેવાયું છે કે જાન્યુઆરીથી માર્ચ 2019 દરમિયાન શેરબજારમાં તેજી અને મોંઘવારી દરમાં ઘટાડાથી ગ્રોથ આઉટલુકમાં આશાવાદી બન્યા છીએ. ઓછી મોંઘવારીને કારણે 2018-19 દરમિયાન રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ જેવા શોર્ટ ટર્મ લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો હતો. જો કે બેંકોને લોનના વ્યાજ દરોમાં તેનો ફાયદો મળ્યો નથી.
રીપોર્ટ અનુસાર રીઝર્વ બેંક ઈન્ડિયાએ આ કેલેન્ડર વર્ષમાં રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કરી નાંખ્યો છે. પણ બેંક ઓછા વ્યાજ દરનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી. આઈએલ એન્ડ એફએસ ગ્રુપ જેવી કંપનીઓ દ્વારા ડિફોલ્ટ કરવાથી પાછલા છ મહિનામાં રોકડની સ્થિતી તંગ રહી છે. જેને કારણે બેંકો લોનના વ્યાજ દરમાં વધુ ઘટાડો નથી કરી શકી.
રીપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થાની સામે કેટલાક પડકારોની પણ જાણકારી આપવામાં આવી છે. નિકાસમાં ફરીથી તેજી લાવવી, ફિકસ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરવો, કૃષિક્ષેત્રમાં સુસ્તીને દુર કરવી જેવા પડકારો છે, જેને હલ કરીને ભારતીય અર્થવ્યવસ્થામાં ફરીથી તેજીનો સંચાર કરવો છે. 2018-19માં વિનિયમ દર વધ્યો છે. અને તે નજીકના સમયમાં નિકાસ વધારવાના રસ્તા પર અડચણ ઉભી કરી શકે છે. જો કે જીડીપી ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો ફિકસ્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્ષ 2017-18માં વધ્યું છે. પણ હવે તેમાં બ્રેક વાગી શકે છે. એવી રીતે ચોથા ત્રિમાસિક ગાળામાં ગૈર ખાદ્ય બેંક લોનના વધારાના દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
અત્રે નોંધનીય છે કે 2018-19ના ત્રીજા ત્રિમાસિકગાળામાં એટલે કે ઓકટોબરથી ડિસેમ્બર સુધીના ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે જીડીપી ગ્રોથ વધ્યો છે. જેની પાછલા છ મહિનામાં સૌથી ઓછી ગતિ રહી છે. સીએસઓએ 2018-19માં જીડીપી ગ્રોથનું અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી નાંખ્યું છે. જાન્યુઆરીથી માર્ચ 2019માં જીડીપી ગ્રોથમાં ઘટાડો થયો છે. સાથે ખાનગી ડિમાન્ડ પણ ઘટી છે. જેથી હાલ સરકારે કોઈ ખર્ચમાં વધારો કર્યો નથી.
આ પહેલા એશિયાઈ વિકાસ બેંક અને આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતીય ઈકોનોમીમાં જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે. એડીબીએ 2020માં ભારતીય જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાનું અનુમાન આપ્યું છે. આઈએમએફે 2019-20માં જીડીપી દર 7.3 ટકા રહેવાની ધારણા વ્યકત કરી છે. 2020-21માં જીડીપી 7.5 ટકા સુધી પહોંચી જશે.