નવી દિલ્હી: ફ્લિપકાર્ટ ગ્રૂપે ગુરુવારે દેશના 650 અબજ ડોલરના જથ્થાબંધ વ્યવસાયના બજારમાં પ્રવેશ કરવા માટે એક નવી ડિજિટલ માર્કેટ 'ફ્લિપકાર્ટ હોલસેલ' શરૂ કરવાની જાહેરતા કરી છે. આ ઉપરાંત વોલમાર્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પણ કંપનીએ 100 ટકા હિસ્સો ખરીદ્યો છે.
વોલમાર્ટ ઇન્ડિયા દેશમાં 'બેસ્ટ પ્રાઇસ' નામથી જથ્થાબંધ દુકાનો ચલાવે છે. હાલમાં તે દેશભરમાં 28 સ્ટોર્સ ધરાવે છે. ફ્લિપકાર્ટ દ્વારા આ જાહેરાત ત્યારે કરવામાં આવી છે કે જ્યારે કંપનીએ હાલમાં જ વોલમાર્ટની આગેવાની હેઠળ રોકાણકારોના ગ્રુપમાંથી 1.2 અરબ ડોલરનું રોકાણ એકત્ર કર્યું છે.જોકે, ફ્લિપકાર્ટે વોલમાર્ટ ઇન્ડિયાના એક્વિઝિશન ડીલની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વની સૌથી મોટી રિટેલ ટ્રેડિંગ કંપનીઓમાંની એક વોલમાર્ટ ઇન્ડિયા, વોલમાર્ટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવા માટે 2018 માં 16 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 'ફ્લિપકાર્ટ હોલસેલ' B2B ડિજિટલ માર્કેટ હશે.