નવી દિલ્હીઃ કોરોના વાઈરસના પ્રકોપને કારણે વૈશ્વિક સ્તરે અર્થતંત્ર અને વ્યવસાયને ઘણું નુકસાન થયું છે. કોરોના વાઇરસથી બચાવ માટે ભારત સહિત અન્ય દેશોએ લોકડાઉન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ત્યારે આ લોકડાઉનના સમયગાળા દરમિયાન ઈન્ડિયા પોસ્ટના માધ્યમથી ડિજિટલ વ્યવહારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
કેન્દ્રિય સંચાર, ઇલેક્ટ્રોનિકસ અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે જાહેર કરેલા સત્તાવાર આકડા અનુસાર દેશમાં 24 માર્ચથી 16 એપ્રિલ સુધી લોકડાઉનના સમયગાળા દરમિયાન 1.30 કરોડનુ ટ્રાન્ઝેક્શન પોસ્ટલ સેવિંગ્સ બેંક ખાતા દ્વારા કરવામાં આવ્યું હતું. PCBA દ્વારા કરવામાં આવેલ કુલ વ્યવહાર 21,000 કરોડ રૂપિયા છે.
આ સમયગાળા દરમિયાન ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કમાં રૂપિયા 1800 કરોડના 66 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા. આધાર સક્ષમ ચૂકવણી સીસ્ટમ ભારતીય પોસ્ટનો ઉપયોગ 9 લાખ નાગરિકો દ્વારા કરવામાં આવ્યો હતો. જેની રકમ 190 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રથમ લોકડાઉન દરમિયાન ઈન્ડિયા પોસ્ટના માધ્યમ દ્વારા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન આશરે 23000 કરોડ રૂપિયા છે.
ભારતીય પોસ્ટલ સિસ્ટમ ડિજિટલ વ્યવહારો સુધી મર્યાદિત નથી, તે કરોડો લોકો માટે બેન્ક, બચત અને પેન્શન ફંડ છે. જ્યારે સાર્વજનિક પરિવહન કાર્યરત નથી, ત્યારે તે જરૂરી પુરવઠા માટે પરિવહન પ્રણાલી તરીકે કાર્ય કરે છે.
કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદે પોસ્ટના સ્ટાફની પણ પ્રશંસા કરી હતી. પોસ્ટ સ્ટાફ કોરોના વાઇરસ સામે લડવા માટે હોસ્પિટલોમાં દવાઓ, માસ્ક, ટેસ્ટ કીટ, વેન્ટિલેટર અને તબીબી સાધનો જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચત કરવા માટે ફ્રન્ટ લાઇન પર કામ કરી રહ્યા છે.