- સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને બેલ્જીયમ ટાવર ખાતેના પ્લોટ અને દુકાનો સહિતની સ્થાવર મિલકત જપ્ત થશે
- સુરત ખાતેની 7 સ્થાવર મિલકત અને રૂપિયા 12.09 કરોડની ઝવેરી પર ટાંચ મૂકવાનો સુરત કસ્ટમ વિભાગનો રસ્તો સાફ
- સુરતનો કેસ એક માત્ર એવો કેસ છે કે જેમાં નીરવ મોદીએ નિવેદન આપ્યું છે
સુરત : ફેબ્રુઆરી, 2018માં નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 11 હજાર કરોડનું કૌભાંડ (PNB scam) કર્યું હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેડ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને મુંબઈ DRI દ્વારા સમગ્ર દેશમાં નીરવ મોદીના ઘર ઓફિસ, ફેક્ટરી, લોકર્સ પર રેડ કરવામાં આવી હતી. સુરતમાં સચિનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતેની ફેક્ટરી પ્લોટ અને બેલ્જીયમ ટાવર ખાતેની દુકાનો પણ તપાસ કરવામાં આવી હતી. નીરવ મોદીની મિલકત જે જપ્ત કરવામાં આવશે, તેમાં સચીન ઇકોનોમિક ઝોન ખાતે આવેલી ફાયરસ્ટોન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, ફાયરસ્ટોન ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને રાડાશીર જ્વેલરી કંપનીની માલિકીના પ્લોટ, ફાયરસ્ટોન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની દિલ્હીગેટ બેલ્જીયમ ટાવર ખાતે આવેલી દુકાનો શામેલ છે.
સુરતનો કેસ એક માત્ર એવો કેસ છે, જેમાં નીરવ મોદીએ નિવેદન આપ્યું
આ તમામ મિલકતો પર ED અને ત્યારબાદ મુંબઈ DRI દ્વારા કબ્જો લેવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સચિન કસ્ટમ વિભાગ સુરતના જ્યુડિક્શનમાં આવતું હોવાથી સુરત કસ્ટમ વિભાગ ( Surat Customs Department ) દ્વારા આ તમામ મિલકતો પર ટાંચ મૂકવા માટે સુરત જિલ્લા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા મંજૂર કરી છે. આ અંગે ETV Bharatને પબ્લિક પ્રોસિક્યુટર ધર્મેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોર્ટની મંજૂરીના પગલે સુરત ખાતેની 7 સ્થાવર મિલકત અને રૂપિયા 12.09 કરોડની ઝવેરી પર ટાંચ મૂકવાનો કસ્ટમનો રસ્તો સાફ થયો છે. કુલ મળી આશરે 50થી 60 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ કેસ ઓવરવેલ્યુએશનનો છે. અનેકવાર નીરવ મોદીને સમન્સ ફટકારવામાં પણ આવી ચૂક્યો છે. જેથી તેને ભાગેડુ પણ જાહેર કરાયો છે. સમગ્ર દેશમાં નીરવ મોદી પર ચાલી રહેલા કેસમાં સુરતનો કેસ એક માત્ર એવો કેસ છે કે જેમાં નીરવ મોદીએ નિવેદન આપ્યું છે. મેઇલ થકી નીરવ મોદીને સમન્સની પણ બજવણી કરવામાં આવી હતી.