- ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાશે
- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હૈદરાબાદમાં કર્યો રોડ-શો
- ભાજપના સ્ટાર પ્રચારકો અગાઉ હૈદરાબાદમાં કરી ચૂક્યા છે પ્રચાર
- ગત ચૂંટણીમાં ભાજપે મળી હતી માત્ર 4 બેઠક
હૈદરાબાદઃ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ શનિવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. આગામી 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી યોગીએ મલકાજગિરી ક્ષેત્રમાં રોડ-શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાજપના સ્ટાર પ્રચારકો હૈદરાબાદની મુલાકાત લઈ ગયા
ઉલ્લેખનીય છે કે, આની પહેલા ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર અને સ્મૃતિ ઈરાની હૈદરાબાદ આવીને પાર્ટીના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. પ્રકાશ જાવડેકરે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની સરકાર સામે અનેક આક્ષેપ લગાવ્યા હતા. જ્યારે સ્મૃતિ ઈરાનીએ રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી)ની કુલ 150 બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે.
ગત ચૂંટણીમાં ભાજપને માત્ર 4 જ બેઠક મળી હતી
ગઈ ચૂંટણીમાં 99 સીટ જીતીને રાજ્યની સત્તાધારાી તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)એ મેયર પદ કબજે કરી લીધું હતું. ત્યારે ભાજપને માત્ર ચાર અને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમને 44 બેઠક મળી હતી. ભાજપ આ વખતે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી જીતવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે. હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી ભાજપ માટે એક પ્રતિષ્ઠાનો સવાલ છે અને એ વાત એનાથી ખબર પડે છે કે, અહીં ભાજપના અનેક સ્ટાર પ્રચારક મેદાને આવ્યા છે. જે ખાસ કરીને સ્થાનિક ચૂંટણીમાં જોવા નથી મળતું.