ન્યૂઝ ડેસ્ક: વિશ્વ અનેક ક્ષેત્રોમાં ઉંચાઈઓ સર કરી રહ્યું છે. ત્યારે આજે પણ ભારતમાં એવા ઘણા વિસ્તારો છે. જ્યાં લોકો પોતાની રૂઢિચુસ્ત માનસિકતામાંથી બહાર નથી નિકળી શક્યા. અંધવિશ્વાસ આજે પણ ઘણા લોકોની જિંદગીભરની મૂડી તેમજ પોતાના વ્હાલસોયાઓનો ભોગ લઈ બેસે છે. આ જ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં નોંધાયો છે.
ઉત્તર પ્રદેશમાં આવેલા કુશીનગરના કોતવાલી ગામે રહેતા ઓમપ્રકાશ રાજભર છૂટક મજૂરી કરીને 4 સભ્યોના પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પરિવારે જે બાળકોને છાતી સરસા ચાંપીને રાખ્યા, તેમને કફનમાં લપેટવા પડ્યા તેમના 4 વર્ષીય પુત્ર નીતીશને ઉલ્ટી-તાવ આવ્યો હતો. પિતાએ સ્થાનિક દુકાનેથી દવા લીધા બાદ પુત્રને આપે તે પહેલા જ નજીકમાં રહેતા એક તાંત્રિકે બાળક પર કેટલીક દુષ્ટ કાળી શક્તિઓ હોવાનો હવાલો આપીને સાજો કરી આપવાનો દાવો કર્યો હતો અને તાંત્રિક વિધિ શરૂ કરી હતી.
તાંત્રિકે સારવારના નામે બાળકને ખૂબ માર માર્યો. તાંત્રિક વિધિ બાદ પણ જ્યારે તેની તબિયતમાં સુધાર ન આવ્યો તો તે પોતાના પરિવાર સાથે ગામ છોડીને નાસી ગયો હતો.
નીતીશની હાલત ગંભીર થતા સરકારી હોસ્પિટલના તબીબોએ તેને ગોરખપુર રિફર કર્યો હતો, પરંતુ તેની સારવાર શરૂ થાય તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો.
હજુ પરિવાર માસૂમ નીતીશના મોતના દુ:ખમાંથી બહાર નહોતા નીકળી શક્યા, એવામાં તેની મોટી બહેનની તબિયત પણ લથડવા લાગી હતી.
પરિવારને જ્યારે જાણ થઈ કે, તેમના પુત્રનું તાંત્રિક વિધિના કારણે મોત નિપજ્યું છે. ત્યાં સુધી તાંત્રિકે તેની મોટી બહેન પર પણ વિધિ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી તેણીની પણ તબિયત વધુ લથડી ગઈ હતી.
પરિવારજનો પોતાના વ્હાલસોયાના મૃતદેહ અને 6 વર્ષીય બીમાર પુત્રીને લઈને ગોરખપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ તાત્કાલિક ધોરણે બાળકીની સારવાર શરૂ કરી હતી.
તાંત્રિક વિધિના કારણે બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાની અને બાળકીની હાલત ગંભીર થઈ હોવાનું જાણવા મળતા તાંત્રિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની સાથે તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
તાંત્રિક વિધિના કારણે નીતીશનું મોત નિપજ્યાના 24 કલાકમાં જ તેની બહેનનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
માત્ર 24 કલાકમાં પોતાના બન્ને બાળકો ગુમાવનાર માં-બાપના આંસૂ હજુ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. પિતાએ જણાવ્યું હતું કે, તેમણે ડૉક્ટરની જગ્યાએ તાંત્રિક પર ભરોસો કરતા જે બાળકોને છાતી સરસા ચાંપીને રાખ્યા હતા, તેમને હવે કફનમાં લપેટવાનો સમય આવ્યો છે.
સરકાર પર આરોપ લગાવતા મૃત બાળકોના પિતા કહે છે કે, "સરકારે પણ કોઈ ધ્યાન નથી આપ્યું. અંદાજે 25 વર્ષથી અમે આ ગામમાં રહેતા હોવા છતાં ન તો અમને આધારકાર્ડ આપવામાં આવ્યું છે, ન તો અમારી પાસે રાશન કાર્ડ છે. અમારી પાસે નાગરિકતા પુરવાર કરવાના કોઈ સરકારી દસ્તાવેજ સુદ્ધા નથી."
આ ઘટના બાદ હજુ પણ તાંત્રિક ફરાર છે. જોકે, પોલીસે તાંત્રિકના ઘરની મહિલાઓની અટકાયત કરી છે. પોલીસે બાળકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
સ્થાનિક પ્રશાસને પરિવારજનોને શક્ય તમામ મદદ કરવાની બાંહેધરી આપી છે. જ્યારે સ્વાસ્થ્ય વિભાગે સમગ્ર ગામમાં સ્વાસ્થ્યલક્ષી કામગીરી પણ શરૂ કરી છે. જેનો રિપોર્ટ જિલ્લા પ્રશાસનને સોંપવામાં આવશે.