અમદાવાદ :અમદાવાદની મેટ્રોપોલિટન ઘીકાંટા કોર્ટમાં તીસ્તા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આ આરોપીઓ વિરૂદ્ધ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને આજે 02 જૂલાઇના રોજ પૂર્ણ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધું રિમાન્ડની માંગણી કરવામા આવી ન હતી. જેને ધ્યાને રાખીને બન્ને આરોપીઓને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ વકીલનું નિવેદન - સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું હતું કે, આજ રોજ સામાપક્ષ તરફથી કોઈપણ પ્રકારની દલીલ કરવામાં આવી નથી, કે કોઈ પણ જાતની રજૂઆત પણ કરવામાં આવી નથી. તેમને કોઈપણ જામીનની પણ અરજી કરી નથી વકીલની રજૂઆત હતી કે, તેમને અલગ સુરક્ષીત જેલમાં રાખવામાં આવે. પરંતુ સરકારના નિયમ મુજબ બધા જ માટે સરખા હોય છે. તિસ્તા દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સાત દિવસથી તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારથી છ જેટલા પોલીસ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જેમાં તેમનો સમય બરબાદ થઇ રહ્યો હતો.
તિસ્તાને જેલમાં આ અંગે રાખવું પડશે ધ્યાન - આગામી દિવસોમાં આરોપીઓ તરફથી જામીન અરજી કરવામાં આવશે. તિસ્તાનાં વકીલ દ્વારા સલામતી માટે કોર્ટને જામીન અરજી પર આપવામાં આવી છે. જેલમાં તિસ્તાને રમખાણ કેસનાનાં આરોપોથી દૂર રાખવામાં આવશે. જેલમાં સજા ભોગવતી અન્ય મહિલા આરોપીઓથી પણ દૂર રાખવામાં આવશે.
7 દિવસના મળ્યા હતા રિમાન્ડ - અમદાવાદની મેટ્રોપોલિટન ઘીકાંટા કોર્ટમાં તીસ્તા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આ આરોપી વિરૂદ્ધ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તિસ્તા અને શ્રીકુમારના 07 દિવસના એટલે કે 2 જૂલાઇ સૂધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ મામલે સરકારી વકીલ મિતેષ અમીને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, એમના કેસમાં કોઈ રાજકીય ચહેરો છે કે એની તપાસ કરવામાં આવે. જોકે, વકીલે તિસ્તાએ કરેલા ખોટા દસ્તાવેજ, નિવેદન અને પુરાવા ઊભા કરવા અંગે પણ ચોખવટ કરી દીધી છે.
14 દિવસની કરવામાં આવી હતી રજૂઆત -મુંબઈથી ગુજરાત ATSની ટીમે તિસ્તા સેતલવાડની ધરપકડ કર્યા બાદ એને અમદાવાદ લાવવામાં આવી હતી. જોકે, ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માડલિકે કહ્યું હતું કે, તિસ્તા શેતલવાડ કાયદાકીય પ્રક્રિયામાં કોઈ સપોર્ટ કરતા નથી. જ્યારે તિસ્તાએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, તેમણે મારો ફોન છીનવી લીધો, મને ધક્કો માર્યો અને માર માર્યો છે.
શું હતું ગોધરાકાંડ -28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા જ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓ બાદ જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 1044 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મુસ્લિમ હતા. આ સંદર્ભમાં વિગતો આપતાં કેન્દ્ર સરકારે મે 2005માં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, ગોધરાકાંડ બાદના રમખાણોમાં 254 હિંદુઓ અને 790 મુસ્લિમો માર્યા ગયા હતા.
માત્ર સનસનાટી ફેલાવવા માટે કરાઈ અરજી - સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, ગુજરાતમાં 2002ના રમખાણો અંગે ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી ફેલાવવા બદલ રાજ્ય સરકારના અસંતુષ્ટ અધિકારીઓને કેસમાં લાવવાની જરૂર છે અને કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, તેને રાજ્ય સરકારની દલીલમાં દમ લાગે છે કે, સંજીવ ભટ્ટ (તત્કાલીન IPS અધિકારી), હરેન પંડ્યા (ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન) અને આરબી શ્રીકુમાર (હવે નિવૃત્ત IPS અધિકારી)ની જુબાની માત્ર કેસને જીવતા રાખવાનો અને તેનું રાજનીતિકરણ કરવાનો હતો, જ્યારે તે સદંતર ખોટું છે.
અમિત શાહનો દાવો - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એવો દાવો કર્યો છે કે, તિસ્તા સેતલવાડની એક સંસ્થાએ ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપી હતી. શુક્રવારે દેશની સુપ્રીમ કોર્ટે મુખ્યપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદીને ગુજરાતમાં રમખાણ મામલે ક્લિન ચીટ આપી હતી. ગૃહપ્રધાન શાહનું નિવેદન આ ક્લિન ચીટ બાદ સામે આવ્યું છે. વર્ષ 2002માં ગુજરાતમાં જે રમખાણ થયા હતા એ મામલો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈને કોર્ટે હાલ વડાપ્રધાન અને એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તપાસની અરજી ફગાવી હતી.
શું હતો સમગ્ર કેસ - આ કેસ ગુલબર્ગ સોસાયટીની ઘટનાથી જોડાયેલો છે. જ્યાં ફેબ્રુઆરી 2002માં ટ્રેનના કોચને સળગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે ફાટી નીકળેલા રમખાણોમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 68 લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં કુલ 59 પ્રવાસીઓ પણ મૃત્યું પામ્યા હતા. આ કેસમાં દસ વર્ષ બાદ SIT,ના રીપોર્ટે ગુલબર્ગ સોસાયટી કેસમાં "કોઈ કાર્યવાહી કરી શકાય તેવા પુરાવા નથી" ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોણ છે આ તિસ્તા સેતલવાડ -તિસ્તા સેતલવાડ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) નામની સંસ્થા સેક્રેટરી છે. જે 2002ના ગુજરાત રમખાણોના પીડિતોની વકીલાત કરવા માટે રચાયેલી સંસ્થા હતી. CJP એ 2002 ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી કાયદેસરની અરજી કરી હતી.
શોષણની વાત - તારીખ 24 જૂન, 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે, ગુજરાત રમખાણોના કેસમાં PM મોદીને આપવામાં આવેલી SITની ક્લિન ચિટને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કાર્યકર્તા તિસ્તા સેતલવાડે "અંગત હેતુઓ" માટે અરજદાર ઝકિયા જાફરીનું ઈમોશનલી શોષણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજીને ગુજરાતમાં રમખાણનો ચરુ ઉકળતો રાખવાના મલિન ઈરાદા સમાન ગણાવી અરજી ફગાવી દીઘી હતી. કોર્ટે ઝકિયા જાફરી તેમજ અન્યોની આ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી કહ્યું કે,આ પ્રોસેસનો દૂરઉપયોગ કરનારા તમામ લોકોને કોર્ટના કઠેડામાં આરોપી તરીકે ઊભા રાખી દેવા જોઈએ. કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવી જોઈએ. ઝકિયાની અરજી બીજાના ઈશારે કરાયેલું કૃત્ય.
ફંડનો મામલો -કોંગ્રેસના પૂર્વ નેતા અહેસાન જાફરીના પત્ની ઝકિયા જાફરીએ SIT દ્વારા એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત કુલ 64 લોકોને રમખાણ મુદ્દે ક્લિનચીટ આપવાના રિપોર્ટને સુપ્રીમમાં પડકાર્યો હતો. તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદ સામેના આરોપોમાંનો એક એવો પણ આક્ષેપ હતો કે તેમણે વર્ષ 2007 થી જંગી ભંડોળ એકત્રીકરણ અભિયાન શરૂ કર્યું હતું. પછી તેને હુલ્લડ પીડિતોના નામે રૂ. 6 કરોડથી રૂ. 7 કરોડનું ભંડોળ એકત્ર કરીને મોટી છેતરપિંડી કરી હતી. વર્ષ 2014 તેમની માલિકીના એક મેગેઝિનમાં જાહેરાતો દ્વારા અને સંગીત અને કલાના કેટલાક કાર્યક્રમો કરી નાંખ્યા હતા.
ફંડનો અંગત ઉપયોગ - કોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચેરિટી દ્વારા એકત્ર કરાયેલા આ ભંડોળથી દંપતી સુવિધાલક્ષી વસ્તુઓની ખરીદી કરતું હતું. જોકે તિસ્તાએ દાવો કર્યો હતો કે આ પ્રકારના પગલાં એની સામે ઈરાદાપૂર્વક લેવામાં આવી રહ્યા છે. આ રીતે એક્શન લઈ ખોટી રીતે શિકાર કરાઈ રહ્યો છે. જેની સામે ભાજપે એવી પ્રતિક્રિયા આપી હતી કે,કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે. તિસ્તા સામે એક એવો પણ આરોપ છે કે તેણે ફોરેન એક્સચેન્જના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. તિસ્તાએ સંસ્થાને મળેલા ડોનેશન અને બીજા ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે. જેના તાર વર્ષ 2019માં અમેરિકાની એક સંસ્થા સાથે જોડાયેલા હતા. જે ફંડ એની સંસ્થામાં આવતું હતું.
કોણ છે સંજીવ ભટ્ટ - સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા.જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. વર્ષ 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી.
IITમાંથી પાસ આઉટ - IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક એફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ તારીખ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા અને જેના કોઈ સાક્ષી કે, પુરાવા પણ નથી.
કોણ છે આર.બી.શ્રીકુમાર - આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન સામે એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તારીખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ રાત્રે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો. તે સમયે ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યપ્રધાન તેમજ સરકાર સામે ખોટા આક્ષેપ કર્યા છે.
ક્રાઈમ બ્રાંચનું તેડુ -એટલું જ નહીં 27 ફેબ્રુઆરી 2002નો જે ફેક્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે તે પણ બનાવટી હોવાનું કમિશનના તારણમાં સ્પષ્ટ ગયું છે.. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક પૂર્વ આઇપીએસ આરબી શ્રીનિવાસને પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા છે, હાલ તેઓનો સંપૂર્ણ રીતે જવાબ લેવામાં આવી રહ્યો છે. જવાબના અંતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠક કર્યા બાદ પૂર્વ IPS આરબી શ્રીનિવાસની પણ ધરપકડ કરવામાં આવી છે.
બીજા શખ્સો હોવાની આશંકા - જેમાં તિસતા,આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ આરોપી છે. જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે. સંજીવ ભટ્ટને પાલનપુરથી લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તિસ્તા અને શ્રી કુમાર અમને તપાસમાં સપોર્ટ કરતા નથી. અમે તપાસ કરી રહ્યા છીએ આરોપીએ વધારે પડતું ખોટું કર્યું છે.આ અંગેના પુરાવાઓ ભેગા કરવામાં આવશે. આ ઉપરાંત તિસ્તા સિવાય અન્ય કોઈ પણ હશે તો બહાર આવશે તો તેની સામે પણ તપાસ થશે.