અયોધ્યા :રામ મંદિરમાં સ્થાપિત થનારી પ્રભુ રામની પ્રતિમાની પસંદગી કરી લેવામાં આવી છે. મૈસુરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ સભ્યોને પસંદ આવી છે. આગામી 22 જાન્યુઆરીએ પીએમ મોદી આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરશે. મકરસંક્રાંતિના દિવસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
અદ્ભૂત છે રામલલાની પ્રતિમા :ચંપત રાયે જણાવ્યું કે, અરુણ યોગીરાજના પરિવારમાં વર્ષોથી મૂર્તિ બનાવવાનું કામ કરવામાં આવે છે. તેમણે દેશમાં ઘણી સુંદર પ્રતિમાઓ બનાવી છે. અયોધ્યામાં ભગવાન રામના બાળ સ્વરૂપની 51 ઇંચની પ્રતિમા પસંદ કરવામાં આવી છે. આ પ્રતિમા અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. આ પ્રતિમા ખૂબ જ ભવ્ય અને સુંદર છે. જેમાં 5 વર્ષના બાળકની કોમળતા સમાયેલી છે. આ પ્રતિમા 18 જાન્યુઆરીની બપોરે નવનિર્મિત ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત પહેલાથી જ રામ જન્મભૂમિ પરિસરમાં પૂજન કરવામાં આવી રહેલી મૂર્તિને પણ તે જ સ્થળે સ્થાન આપવામાં આવશે. ભગવાન રામની નવી બનેલી પ્રતિમાનું વજન અંદાજે 150 થી 200 કિલોગ્રામ છે. જેને 18 જાન્યુઆરીના રોજ બપોરે ગર્ભગૃહની અંદર બનેલા આસન પર ઊભી કરવામાં આવશે.
આવી હશે રામલલ્લાની મૂર્તિ રામ જન્મભૂમિ પર થશે ધાર્મિક અનુષ્ઠાન :ચંપત રાયે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત તમામ ધાર્મિક વિધિઓ રામ જન્મભૂમિ પરિસરમાં કરવામાં આવશે. ઈશાન ખૂણા પર એક યજ્ઞશાળા બનાવવામાં આવી છે, જેમાં 9 કુંડ બનાવવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાંથી પસંદ કરાયેલા કુલ 120 જેટલા વૈદિક વિદ્વાનો દ્વારા ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવશે. એકરૂપતા જાળવવા માટે કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે સંપન્ન થશે.
રામ મંદિરની પૂજા પરંપરા :હાલમાં જ મંદિરમાં થનારી પૂજાના સંપ્રદાય અને પરંપરા પર થયેલા વિવાદ અંગે ચંપત રાયે સ્પષ્ટ કહ્યું હતું કે, અયોધ્યામાં રામાનુજ અને રામાનંદ એમ બે સંપ્રદાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસનો આશ્રમ કનક ભવન અને રામ મંદિર બંને રામાનંદ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. આ સિવાય પણ અન્ય ઘણા મંદિરો પણ રામાનંદ સંપ્રદાયના છે. ઉપરાંત સુગ્રીવ કિલ્લો કૌશલેશ સદન, અશરફી ભવન શ્રી રામ લાલ દેવસ્થાનમ સહિતના અન્ય ઘણા મંદિરો રામાનુજ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. અયોધ્યાનું રામ મંદિર રામાનંદ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. અહીંયા પૂજા પરંપરા આ સંપ્રદાય અનુસાર થશે.
20 જાન્યુઆરીથી દર્શન બંધ :અયોધ્યામાં રામ ભક્તોના દર્શન અને પૂજા સાથે જોડાયેલી માહિતી આપતા ચંપત રાયે જણાવ્યું કે, 20 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે દર્શન બંધ કરવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે પરિસરની અંદર અનેક ધાર્મિક વિધિ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ભક્તોની ભીડના કારણે અવ્યવસ્થા સર્જાશે. તેને ધ્યાનમાં રાખીને 20-21 જાન્યુઆરીએ સામાન્ય દર્શન બંધ રાખવા પર ચર્ચા ચાલી રહી છે. રામ ભક્તોને આગ્રહ કરવામાં આવે છે કે 23 જાન્યુઆરીથી તેઓ અયોધ્યામાં દર્શન કરી શકે છે. અમારો એ પણ પ્રયાસ છે કે, દિવસભર ભક્તોને દર્શન કરાવી અને સાંજ સુધીમાં વિદાય આપવામાં આવે. ખૂબ જ ઠંડી હોવાના કારણે અહીં અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. આથી દિવસભર દર્શન પૂજાનો કાર્યક્રમ પૂરો કરીને સાંજ સુધીમાં લોકોને ઘરે પરત મોકલવાનો અમારો વિચાર છે.
- Ramlala Pran Pratistha : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મંદિર પરિસરમાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ, ખાસ મહેમાનો માટે વિશેષ કોડ રહેશે
- Ram temple : કોંગ્રેસે રામ મંદિરને લઈને ભાજપને પૂછ્યા સવાલ કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ કયા પંચાંગમાંથી કાઢવામાં આવી...