ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્યૂટી વિથ બ્રેઈન સ્મિતા પાટિલે 13મી ડિસેમ્બરે માત્ર 31 વર્ષની વયે આ ફાની દુનિયાને કર્યુ હતું 'અલવિદા' - પદ્મશ્રી

સ્મિતા પાટિલ એટલે એક એવી અભિનેત્રી જેમાં ઝરણા જેવી ચંચળતા અને શાંત નદી જેવું ગાંભીર્ય બંને જોવા મળતા હતા. તેણીએ મોટા ભાગે રુપેરી પરદે ગંભીર ભૂમિકાઓ ભજવી હતી. જો કે તેની નિકટનાઓના મતે તે બહુ ચંચળ હતી. વર્ષ 1986ની 13મી ડિસેમ્બરે માત્ર 31 વર્ષની સ્મિતા પાટિલનું દુઃખદ અવસાન થયું હતું. વાંચો કાળી પણ કામણગારી સ્મિતા પાટિલની જીવન ઝરમર વિશે વિગતવાર. Smita Patil 13 December Death Anniversary

બ્યૂટી વિથ બ્રેઈન સ્મિતા પાટિલે 13મી ડિસેમ્બરે માત્ર 31 વર્ષની વયે આ ફાની દુનિયાને કર્યુ હતું 'અલવિદા'
બ્યૂટી વિથ બ્રેઈન સ્મિતા પાટિલે 13મી ડિસેમ્બરે માત્ર 31 વર્ષની વયે આ ફાની દુનિયાને કર્યુ હતું 'અલવિદા'

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 10:28 PM IST

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રીઓમાં જાજરમાન અને કામણગારી સ્મિતા પાટિલની નોંધ માત્ર તેના પ્રશંસકો જ નહિ પરંતુ વિવેચકો પણ લે છે. સ્મિતા પાટિલના અફલાતૂન અભિનયનો તો કોઈ વિકલ્પ જ નહતો, પરંતુ તેનો ઉમદા સ્વભાવ પણ બેજોડ હતો. તે માનસિક રીતે બહુ મજબૂત હતી. તેની નિકટ રહેતા લોકો તેનો સ્વભાવ ચંચળ અને વિદ્રોહી હોવાનું પણ જણાવે છે.

પ્રારંભિક જીવનઃ સ્મિતા પાટિલનો જન્મ પૂણેમાં એક સુખી સંપન્ન મરાઠી પરિવારમાં થયો હતો. તેના પિતા શિવાજીરાવ પાટિલ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન હતા. તેની માતા એક અગ્રણી સામાજિક કાર્યકર હતી. માતાને લીધે સ્મિતામાં ઉદારતાનો ગુણ જન્મ્યો હતો. તેણીએ પ્રાથમિક શિક્ષણ મરાઠી માધ્યમની શાળામાં લીધું હતું. ત્યારબાદ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તત્વજ્ઞાન અને મનો વિજ્ઞાનમાં બેચલર ડીગ્રી મેળવી હતી. તે અભ્યાસમાં બહુ તેજસ્વી હતી. જો કે તેણીને અભિનયમાં પણ રુચિ હતી.

ફિલ્મી કારકિર્દીઃ સ્મિતા પાટિલે કોલેજ કાળમાં મુંબઈ દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે શરુઆત કરી હતી. સ્મિતા પાટિલને જોતા જ શ્યામ બેનેગલે તેણીને 'ચરણદાસ ચોર' નામક ફિલ્મમાં બ્રેક આપ્યો. ત્યારબાદ 'નિશાન્ત' આવી. આ ફિલ્મ બાદ સ્મિતાએ પાછું વળીને જોયું નથી. પેરેલલ સિનેમા અથવા આર્ટ સિનેમા તરીકે ઓળખાતા સિનેમાની પોપ્યુલર સ્ટાર સ્મિતા બની ગઈ. તેના અભિનયથી માત્ર દર્શકો જ નહિ પરંતુ વિવેચકો પણ મંત્રમુગ્ધ હતા. શ્યામ બેનેગલની 'મંથન' ફિલ્મમાં હરિજન યુવતીની ભૂમિકા સ્મિતાએ આબાદ ભજવી હતી. આ રોલ માટે સ્મિતાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ માટે સ્મિતાને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. મંથન બાદ સ્મિતા પાટિલની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ હતી. આર્ટ સિનેમાની અત્યંત પ્રસિદ્ધ ફિલ્મોમાં સ્મિતાએ અભિનયના ઓજસ પાથર્યા છે. જેમાં ભૂમિકા, નિશાન્ત, મંથન, આક્રોશ, ગમન, બાઝાર, અર્થ, મંડી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

કોમર્શિયલ સિનેમા ક્ષેત્રે યોગદાનઃ બોલિવૂડમાં શબાના આઝમી બાદ સ્મિતા પાટિલ જ એક એવી અભિનેત્રી છે જેણે પેરેલલ અથવા આર્ટ સિનેમા સિવાય કોમર્શિલય સિનેમામાં સફળતા મેળવી હોય. આ સફળતા પણ પાછી કેવી , એકદમ બમ્પર સફળતા !!! કોમર્શિયલ સિનેમામાં તેણીએ કરેલ ફિલ્મોમાં શક્તિ, નમકહલાલ, કયામત, કસમ પેદા કરનેવાલે કી, ડાન્સ ડાન્સ, બદલે કી આગ, અમૃત તેમજ વારીસ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

સ્મિતાની એક્ટિંગને મળેલ ડ્યૂઝઃ વર્ષ 1977માં ભૂમિકા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ, વર્ષ 1980માં ચક્ર માટે ફરીથી બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ સ્મિતા પાટિલે મેળવ્યો હતો. વર્ષ 1978માં જૈત રે જૈત(મરાઠી ફિલ્મ), વર્ષ 1978માં ભૂમિકા, વર્ષ 1981માં ઉંબરઠા(મરાઠી ફિલ્મ), વર્ષ 1982માં ચક્ર ફિલ્મ માટે સ્મિતા પાટિલે બેસ્ટ એક્ટ્રેસના ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કર્યા હતા. તેણીને ફિલ્મોમાં અભિનય માટે અનેક નોમિનેશન્સ મળ્યા હતા. ભારત સરકારે વર્ષ 1985માં સ્મિતા પાટિલને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો હતો. ભારતીય સિનેમાને 100 વર્ષ પૂરા થયા તે વર્ષ 2013માં ભારત સરકારે સ્મિતા પાટિલના માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ ઉપરાંત બહુ જૂજ અભિનેત્રીઓને મળે તે આંતરરાષ્ટ્રીય સન્માન સ્મિતાને ફ્રાન્સમાં મળ્યું હતું. સ્મિતા પાટિલની હયાતિમાં જ ફ્રાન્સમાં તેમની ફિલ્મો પર 'રેટ્રોસ્પીટ' કાર્યક્રમ યોજાયો હતો.

વર્ષ 2013માં ભારત સરકારે સ્મિતા પાટિલના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી

વિદ્રોહી અને ચંચળ સ્વભાવઃ સ્મિતા પાટિલે રુપેરી પરદા પર એવી ગંભીર ભૂમિકાઓ ભજવી છે કે તેમના વાસ્તવિક સ્વભાવની કોઈને કલ્પના પણ ન આવે. તેઓ બહુ નાની ઉંમરે ન્યૂઝ રીડર બન્યા હતા. તે સમયે લેડી ન્યૂઝ રીડરે સાડી પહેરવી કમ્પલસરી હતી. સ્મિતા જિન્સ પેન્ટ પહેરવાની શોખીન હતી. તેથી તેણીએ જિન્સ પેન્ટ પર સાડી પહેરીને ન્યૂઝ રીડિંગ કર્યુ હતું. તેમણે શક્તિ મૂવિમાં અમિતાભ બચ્ચન સામે બેકલેસ સીન આપ્યો હતો. ત્યારે તે સીન વિવાદોમાં આવી ગયો હતો. શક્તિ મૂવિના સમયે બેકલેસ સીન આપવામાં કોઈ અભિનેત્રીની માનસિકતા નહતી. તે સમયે તેણીના વિદ્રોહી સ્વભાવે આ પરંપરાને તોડીને બેકલેસ સીન આપ્યો હતો. અમિતાભ બચ્ચન સામે કાળી પણ કામણગારી સ્મિતાએ બહુ પાવરફુલ એક્ટિંગ કરી હતી. નમકહલાલમાં પણ બચ્ચન સામે સ્મિતાએ એક્ટિંગનું પલ્લું નમવા દીધું નહતું. તેના વિદ્રોહી સ્વભાવનું બીજું એક ઉદાહરણ છે તેના રાજ બબ્બર સાથેના સંબંધો. પરિવારનો વિરોધ હોવા છતા તેણીએ પરણિત એવા રાજ બબ્બર સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. તે જમાનામાં જ્યારે સમાજમાં પુત્ર અવતરણનો બહુ મોહ હતો ત્યારે સ્મિતા પાટિલ જાહેરમાં મારે દીકરીને જન્મ આપવો છે તેમ કહેતા હતા. જે પણ તેના પરંપરાગત રુઢિઓને તોડવાના વિદ્રોહી સ્વભાવનો પરિચય આપે છે. સ્મિતાના ચંચળ પણ મક્કમ સ્વભાવનું અન્ય એક ઉદાહરણ છે નાના પાટેકર. સ્મિતા પાટિલ અને નાના પાટેકર મરાઠી નાટકોમાં સાથે કામ કરતા. તેણી હંમેશા નાના પાટેકરને કહેતી કે તેણે બોલિવૂડમાં ટ્રાય કરવો જોઈએ. નાના પાટેકર પોતાના રંગને લઈને બહુ ઈન્ફિયોરિટી કોમ્પલેક્સથી પીડાતા હતા. જો કે સ્મિતા નાના પાટેકરના બોલિવૂડમાં પ્રવેશ માટે મક્કમ જ રહ્યા. આજે નાના પાટેકર ભલભલા હીરોને અભિનયમાં મહાત કરી દે છે. આ સ્મિતાની દૂરંદેશી હતી કે નાના પાટેકર બોલિવૂડમાં નામના મેળવશે જ. આજે પણ નાના પાટેકર પોતે હિન્દી ફિલ્મોમાં સ્મિતા પાટિલના લીધે હોવાનું જાહેરમાં કબૂલે છે.

બ્યૂટી વિથ બ્રેઈનના મૃત્યુનું કારણ બ્રેઈન હેમરેજઃ સ્મિતા પાટિલ તેના પુત્ર પ્રતિક બબ્બરના જન્મના માત્ર 15 દિવસ બાદ ગુજરી ગયા હતા. તેમણે આ પુત્ર જન્મ સમયે બહુ કોમ્પલિકેશનનો સામનો કરવો પડ્યો હતો. આ કોમ્પલિકેશન્સ એટલા વધી ગયા હતા કે તેણીના મોં અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. સ્મિતા પાટિલે પુત્ર જન્મમાં 10 કલાકથી વધુની પ્રસુતિ પીડા વેઠી હતી. આ પીડાને લીધે સ્મિતા મરણતોલ સ્થિતિમાં આવી ગઈ હતી. ડૉક્ટર્સ તેણીને બચાવવાના દરેક પ્રયત્નો કરતા હતા પરંતુ સ્મિતાની સ્થિતિ બગડતી જ જતી હતી. જયા બચ્ચને દિલ્હીથી ખાસ ન્યૂરોસર્જનને સ્મિતાની સારવાર માટે બોલાવ્યા હતા. જો કે સ્મિતાની આંખોમાંથી પણ લોહી વહેવા લાગતા ડૉક્ટરો નિરાશ થયા અને વહેલી સવારે સ્મિતાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. જોગાનુજોગ એ છે કે સ્મિતાને બચવાની કોઈ આશા(હોપ) ન રહી ત્યારે ફિલ્મી દુનિયાના સિતારાઓ 'હોપ 86' નામક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. સ્મિતા પાટિલના અભિનય તેના ચંચળ પરંતુ મક્કમ સ્વભાવને આ વિશ્વ કયારેય ભૂલી નહીં શકે.......

  1. એનિમલની સફળતાને કારણે આત્મવિશ્વાસથી ભરપૂર એવી રશ્મિકા આવતીકાલથી પુષ્પા-૨ના નવા શિડ્યુઅલનું શૂટિંગ શરૂ કરશે
  2. સેમ બહાદુર બાદ મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં હીરો તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રાની પસંદગી કરાઈ

ABOUT THE AUTHOR

...view details