મુંબઈઃ આજે શેર બજારમાં પ્રાઈવેટ બેન્ક, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, એફએમસીજી, ઓટોમોબાઈલ, હેલ્થકેર જેવા સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફટી અને ફાઈનાન્સિયલ સર્વિસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 40,000ને પારઃ બજાર નિષ્ણાંતો માને છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી ધીમી પડશે નહીં અને તેજીમાં આજે એટલે કે 5 સપ્ટેમ્બરે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ પ્રથમવાર 40,000ને પાર કરી ગયો છે.આ ઈન્ડેક્સના 15માંથી 13 સત્રોમાં વધારો જોવા મળ્યો છે. તેથી આ ઈન્ડેક્સમાં 6થી 8.4 ટકા સુધીનો વધારો નોંધાયો છે. અત્યાર સુધી કરવામાં આવેલી જોરદાર ખરીદીને કારણે ઘણા સારા શેરોની કિંમત વધી છે. તેથી જ રોકાણકારો દ્વારા અગાઉ અવગણવામાં આવેલા શેરો મોંઘા થઈ ગયા છે.
મિડકેપ શેરઃ આજે જુબિલન્ટ ફૂડ્સ, આદિત્ય બિરલા ફેશન, અરબિંદો ફાર્મા, આઈડીબીઆઈ બેન્ક જેવા મિડકેપ શેરમાં 4થી 9 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે મધરસન સુમી, ડેલ્હીવેરી, એસજેવીએન, ટોરેન્ટ પાવર અને 3 એમ ઈન્ડિયા જેવા મિડકેપ શેરમાં 1થી 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.