મુંબઈ: રશિયા-યુક્રેનના યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં વિક્રમી વધારો થવાના કારણે સોમવારે ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં (Interbank Foreign Exchange Market) ડોલર સામે રૂપિયો (Dollar VS rupee) 76 પૈસા ઘટીને 76.93 થઈ ગયો હતો. એક સમયે તે ડોલર દીઠ 77ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો હતો. યુએસ અને યુરોપિયન દેશોએ રશિયન ઊર્જાની આયાત પર પ્રતિબંધો લાદવાનું વિચાર્યું હોવાથી વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ વધીને પ્રતિ બેરલ 120 ડોલર થઈ ગયા હતા.
ડોલર સામે રૂપિયો 76 પૈસા ઘટ્યો
આ બાબતે ટ્રેડર્સે કહ્યું હતું કે, વિદેશી ભંડોળનો સતત પ્રવાહ અને સ્થાનિકશેર બજારોમાં નબળા વલણને કારણે પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર 76.85 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે ઘટીને 77.01 પ્રતિ ડોલર પર આવ્યા બાદ 76.93 પર બંધ થયો હતો. જે તેના અગાઉના ભાવની સરખામણીમાં 76 પૈસાનો ઘટાડો દર્શાવે છે.
આ પણ વાંચો :Stock Market India: સતત બીજા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 53,000ની નીચે
રૂપિયાનું સ્તર નજીકના ભવિષ્યમાં 77.50 સુધી જઈ શકે છે!
રેલિગેર બ્રોકિંગ લિમિટેડના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ કહ્યું હતું કે, "યુએસ ચલણ સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીએ આવી ગયો છે. રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે જોખમ લેવાની ધારણાઓને ઓછી કરી દીધી છે, જ્યારે સલામત આશ્રય તરીકે યુએસ ડોલરનો પ્રવાહ વધ્યો છે. સચદેવાના મતે રૂપિયાનું સ્તર નજીકના ભવિષ્યમાં 77.50 સુધી જઈ શકે છે.
નિફ્ટીમાં 382.20 પોઈન્ટનો ઘટાડો
ડોલર ઇન્ડેક્સ, જે છ કરન્સી સામે ડોલરનું વલણ દર્શાવે છે, તે 0.46 ટકા વધીને 99.09 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, વૈશ્વિક સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ 6.55 ટકા વધીને બેરલ દીઠ 125.85 ડોલર થયો હતો. BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,491.06 પોઈન્ટ ના ઘટાડા સાથે 52,842.75 ના સ્તર પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 382.20 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. કામચલાઉ શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. શુક્રવારે તેણે 7,631.02 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
આ પણ વાંચો :Impact of Russia Ukraine War: વૈશ્વિક માર્કેટમાં સોનું પણ થયું મોંઘું
વેપાર ખાધમાં વધારો થવાની આશંકા
રિલાયન્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક શ્રીરામ અય્યરે કહ્યું હતું કે, “રશિયન તેલની આયાત પર પ્રતિબંધના વિચારને પગલે સોમવારે ભારતીય ચલણ યુએસ ડોલર સામે ગગડ્યું હતું. ક્રૂડ ઓઈલની કિંમતો અનેક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતાં ફુગાવો વધવાની અને વેપાર ખાધમાં વધારો થવાની આશંકા વધી ગઈ છે.
વૈશ્વિક અર્થતંત્રો આ વર્ષે મંદીના વધતા જોખમનો સામનો કરી રહી છે
તે જ સમયે, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મિલવુડ કેન ઇન્ટરનેશનલના સ્થાપક અને સીઇઓ નિશ ભટ્ટે કહ્યું હતું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો રાજકોષીય ખાધને અસર કરે છે અને સ્થાનિક ચલણ પર પણ દબાણ લાવે છે. એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસે કહ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્રો આ વર્ષે મંદીના વધતા જોખમનો સામનો કરી રહી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે સપ્લાય ચેઈન્સ ગંભીર રીતે વિક્ષેપિત થઈ છે અને સંઘર્ષ શરૂ થયો ત્યારથી કોમોડિટીના ભાવમાં વધારો થયો છે.