સુરતઃવિશ્વના લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રઘાનનું સંબોધન : સુરત ડાયમંડ એક્સચેન્જના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે સુરત વિશ્વના ટોચના 10 વિકાસશીલ શહેરોમાં સામેલ છે. સુરતનું સ્ટ્રીટ ફૂડ, સ્કીલ ડેવલપમેન્ટ, બધું જ અદ્ભુત છે. સુરત એક સમયે 'સન સિટી' તરીકે જાણીતું હતું. પરંતુ આજે અહીંના લોકોએ પોતાની મહેનતથી તેને 'ડાયમંડ સિટી' બનાવ્યું છે." વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે સુરતની જનતા અને અહીંના વેપારીઓને વધુ બે ભેટ મળી રહી છે. આજે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બીજી મોટી બાબત એ છે કે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. હું સુરતના લોકોને અને ગુજરાતના લોકોને આ અદ્ભુત ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અભિનંદન આપું છું."
મોદીએ સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ અગાઉ અહીં સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું. તે આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરી બંનેના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. આ બોર્સમાં આયાત-નિકાસ માટે અત્યાધુનિક 'કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ', રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મૉલ અને ઇન્ટરનેશનલ બૅન્કિંગ અને સેફ વૉલ્ટ્સ માટેની સુવિધાનો સમાવેશ થશે.