- વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા હોવાનું સામે આવ્યું
- ગ્લોબલ લીડર ટ્રેકરમાં મોદીને સૌથી વધુ 70 ટકા રેટિંગ મળ્યું
- મોર્નિંગ કન્સલ્ટિંગ એજન્સી તરફથી જાહેર કરાઈ રેટીંગ
નવી દિલ્હી: દેશની સત્તા સંભાળ્યા બાદથી વડાપ્રધાન મોદીની (Prime Minister Modi) લોકપ્રિયતા સતત વધી રહી છે. આ વર્ષે પણ તેમની લોકપ્રિયતાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. એક કન્સલ્ટીંગ એજન્સી (Morning Consult) દ્વારા કરાયેલા સર્વેમાં વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા હોવાનું સામે આવ્યું છે.
પિયૂષ ગોયલે આપી જાણકારી
કેન્દ્રિય પ્રધાન પિયૂષ ગોયલે શનિવારે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી (Prime Minister Modi) હજુ પણ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા રહ્યા છે. તેમને 70 ટકા રેટિંગ સાથે ફરી વખત આ મુકામ હાંસલ થયો છે.' આ સાથે તેમણે મોર્નિંગ કન્સલ્ટિંગ એજન્સી (Morning Consult) તરફથી જાહેર કરાયેલા રેટિંગની લિંક પણ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સતત બીજા વર્ષે આ રેટિંગમાં પ્રથમ નંબરે આવ્યા છે.
વિશ્વભરના ટોચના નેતાઓને છોડ્યા પાછળ
અપ્રૂવલ રેટિંગ એજન્સીના એક સર્વેમાં આ વાત સામે આવી છે. વડાપ્રધાન મોદીએ વિશ્વના શક્તિશાળી નેતાઓમાં સમાવિષ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિતને ઘણા પાછળ છોડી દીધા છે.
બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન 10માં ક્રમાંકે
એજન્સીના આંકડા અનુસાર, વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ને સૌથી વધુ 70 ટકા રેટિંગ મળ્યું છે. સર્વેમાં બીજા ક્રમાંકે 66 ટકા રેટિંગ સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબરાડોર અને ત્રીજા નંબર પર 58 ટકા રેટિંગ સાથે ઈટલીના વડાપ્રધાન મારિયો દ્રાગીનો સમાવેશ થાય છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલને 54 ટકા અપ્રૂવલ રેટિંગ મળ્યું છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન 44 ટકા રેટિંગ સાથે છઠ્ઠા ક્રમાંકે છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ યાદીમાં 10માં ક્રમાંકે છે.
આ પણ વાંચો: પ્રદૂષણથી પીડિત દિલ્હી કોરોનાની ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે: ડૉ. રણદીપ ગુલેરિયા
કઈ રીતે કરવામાં આવે છે સર્વે ?
મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) નામની પોલિટિકલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા દર વર્ષે વિશ્વના 13 ટોચના નેતાઓનું રેટિંગ જાહેર કરવામાં આવે છે. આ દેશોમાં ઑસ્ટ્રેલિયા, ભારત, બ્રાઝિલ, અમેરિકા, બ્રિટેન, જાપાન, ઈટલી, મેક્સિકો, સ્પેન, જર્મની, ફ્રાન્સ અને કેનેડાનો સમાવેશ થાય છે. એજન્સી દ્વારા આ દેશોમાં એક સર્વે કરવામાં આવે છે. જેમાં મળતા આંકડા અનુસાર સંબંધિત દેશના નેતાઓની લોકપ્રિયતાનું રેટિંગ જાહેર કરવામાં આવે છે. ભારતમાંથી આ વર્ષે કુલ 2,126 લોકોના ઓનલાઈન ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા.
રેટિંગ પર એક નજર
- નરેન્દ્ર મોદી - 70 ટકા
- લોપેઝ ઓબરાડોર - 66 ટકા
- મારિયો દ્રાગી - 58 ટકા
- એન્જેલા મર્કેલ - 54 ટકા
- સ્કૉટ મોરિસન - 47 ટકા
- જો બાઈડેન - 44 ટકા
- જસ્ટિન ટ્રૂડો - 43 ટકા
- ફુમિયો કિશિદા - 42 ટકા
- મૂન જે-ઈન - 41 ટકા
- બોરિસ જૉનસન - 40 ટકા
- પેડ્રો સાંચેઝ - 37 ટકા
- ઈમેન્યુએલ મેક્રો - 36 ટકા
- ઝાયર બોલ્સોનારો - 35 ટકા
આ પણ વાંચો: મહારાષ્ટ્રના પૂર્વગૃહપ્રધાન અનિલ દેશમુખ 14 દિવસની કસ્ટડીમાં