બેંગલુરુ:કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીની આલોચના કરતી વખતે તેમણે એવું નિવેદન આપ્યું કે જેને લઈને ભાજપ મોટો મુદ્દો બનાવી શકે છે. ખડગેએ કહ્યું કે પીએમ મોદી 'ઝેરી' વ્યક્તિ છે. ખડગેએ કહ્યું કે પીએમ મોદી 'ઝેરી સાપ' જેવા છે. તેણે વધુમાં કહ્યું કે જો કોઈ તેનો સ્વાદ ચાખશે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેમના નિવેદન પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ખડગેનું નિવેદન સોનિયા ગાંધીના 'મોતના સોદાગર' નિવેદન કરતા પણ ખરાબ છે.
ભાજપની પ્રતિક્રિયા:કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે ખડગેને અધ્યક્ષ બનાવ્યા છે, પરંતુ તેમની વાત કોઈ સાંભળતું નથી તેથી તેઓ નિવેદનો આપતા રહે છે જેથી લોકોનું ધ્યાન તેઓની તરફ જાય. જોકે બાદમાં ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે પીએમ મોદીને સારા માને છે. ખડગેએ કહ્યું કે તેમણે પીએમ મોદીની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા છે.
ભાજપના નેતા અમિત માલવિયાએ વળતો પ્રહાર કર્યો:ખડગેના નિવેદનનો વીડિયો બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને 'ઝેરી સાપ' કહ્યા... અમે જાણીએ છીએ કે સોનિયા ગાંધીના 'મોત કા સોદાગર'થી જે શરૂ થયું અને તેનો કેવો અંત આવ્યો, તે આપણે બંધા જાણીએ છીએ. કોંગ્રેસ સતત નવા સ્તરોને સ્પર્શી રહી છે. તેમની નિરાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં મેદાન ગુમાવી રહી છે.