નવી દિલ્હીઃ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચુડ સહિત અનેક કાયદા ક્ષેત્રના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સના ઉદ્દઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશ અને વિદેશના વકીલોને સંબોધન પણ કર્યુ હતું. નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વનો ભારત પર વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું છે.
ભારતની ઐતિહાસિક સિદ્ધિઓઃ આ કોન્ફરન્સનું આયોજન યોગ્ય સમયે થયું છે. આ સમયે ભારતે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. તાજેતરમાં જ ભારતે લોકસભા અને રાજ્યસભામાં મહિલા આરક્ષણ વિધેયક મંજૂર કર્યુ છે. આ વિધેયકથી ભારતમાં મહિલા નેતૃત્વને નવી દિશા અને ઊર્જા મળશે. ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. તાજેતરમાં જ G-20ની ભારતે અધ્યક્ષતા કરી હતી. જેમાં સમગ્ર વિશ્વએ ભારતની ડેમોક્રસી અને ડિપ્લોમસીનો અનુભવ કર્યો. આજથી એક્ઝેટ એક મહિના પહેલા ભારત ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહોંચનાર પહેલો દેશ બની ગયો છે.