ટોક્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi arrives in Tokyo) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં (former Japanese PM Shinzo Abe funeral today) સામેલ થવા ટોક્યો પહોંચ્યા છે. આ પહેલા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, લગભગ 12 થી 16 કલાકની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય બેઠક કરશે.
PM મોદી આ મુલાકાત દરમિયાન શ્રીમતી આબેને મળશે :વડાપ્રધાન મોદી હવે થોડા કલાકો બાદ જાપાન જવા રવાના થશે. તેમણે કહ્યું કે, મોદી આ મુલાકાત દરમિયાન શ્રીમતી આબેને મળશે અને વ્યક્તિગત રીતે શોક વ્યક્ત કરશે. જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન શિન્ઝો આબેની 8 જુલાઈના રોજ દેશના પશ્ચિમ વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી હતી.
આ વર્ષે ભારત જાપાનના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ છે :ક્વાત્રાએ જણાવ્યું હતું કે, જાપાનના વડાપ્રધાન કિશિદા આ વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા અને વડાપ્રધાન મોદી મે મહિનામાં ક્વાડ બેઠકમાં ભાગ લેવા માટે ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે, આ વર્ષે ભારત-જાપાનના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ છે અને બંને નેતાઓને તેમના વિશેષ વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે વાતચીત કરવાની તક મળશે.
વિદેશ સચિવે કહ્યું ભારત અને જાપાનના સંબંધો મજબૂત થઈ રહ્યા છે : વિદેશ સચિવે કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે અને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, જળવાયુ પરિવર્તન, ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, માનવ સંસાધન જેવા ક્ષેત્રોમાં ગાઢ સહયોગ છે.
બેઠકમાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો અને તેમની પ્રગતિ અંગે ચર્ચા કરશે :આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે ટૂંકી દ્વિપક્ષીય બેઠક થશે જેમાં બંને પક્ષના લોકો હાજર રહેશે. ક્વાત્રાએ જણાવ્યું હતું કે, જાપાનના પૂર્વ વડાપ્રધાન આબેના રાજ્યકક્ષાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે 20 સરકારના વડાઓ સહિત 100 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. વડાપ્રધાન મોદી અને કિશિદા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર વાતચીત કરશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ક્વાત્રાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો અને તેમની પ્રગતિ અંગે ચર્ચા કરશે અને સમીક્ષા કરશે અને તેને કોઈ એક વિષય સુધી સીમિત રાખવું યોગ્ય રહેશે નહીં.