- શંકાસ્પદ ગાડી કેસમાં વપરાયેલી કારના માલિકનું મોત
- દેવેન્દ્ર ફડણવીસે તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવાની કરી માગ
- કાર ઇસ્ટર્ન એકપ્રેસ હાઇ-વે પરથી ચોરી થઇ હતી
મુંબઇ : મુકેશ અંબાણીના ઘરની બહાર જીલેટીન સ્ટિક સાથે મળી આવેલી કારના માલિક મનસુખ હિરેન થાણે ખાતેથી મૃત હાલતમાં મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની નજીક એક શંકાસ્પદ કાર ઉભી હોવાનું જાણવા મળ્યું હતું. આ શંકાસ્પદ વાહનમાંથી 20 જીલેટીન સ્ટિક મળી આવી હતી. આ સ્ટિકનો ઉપયોગ વિસ્ફોટક બનાવવા માટે કરવામાં આવે છે. શુક્રવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકથી ભરેલી કારની ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવાની માગ કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમને આ અંગે માગ કરી હતી.
દેવેન્દ્ર ફડણવીસનો દાવો - વાહનના માલિક ક્રેવફોર્ડ માર્કેટમાં એક વ્યક્તિને મળ્યા હતા
વિધાનસભાના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, વાહનના માલિક અને પોલીસ અધિકારી વચ્ચે ટેલિફોન વાતચીત થઈ છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની જગ્યાએ પોલીસ અધિકારી તે સ્થળે પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે, વાહનના માલિક ક્રેવફોર્ડ માર્કેટમાં એક વ્યક્તિને મળ્યા હતા. તેમને કોણ હતા? વાહનનો માલિક થાણે રહે છે અને સ્થળ પર પહોંચેલા પહેલા પોલીસ અધિકારી પણ થાણેમાં જ રહે છે. આ રીતે ઘણા સંયોગો શંકા પેદા કરે છે અને તેથી તપાસ NIAને સોંપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના પ્રમુખ અંબાણીના નિવાસસ્થાન, એન્ટિલિયા નજીક એક એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ) જિલેટીન સ્ટિક મળી આવી હતી.
ભારતના કોઈ ઉદ્યોગપતિ સાથે અમારે કોઈ દુશ્મનાવટ નથી - જૈશ ઉલ હિંદ
28 ફેબ્રુઆરીએ આતંકી સંગઠન જૈશ ઉલ હિંદે આ અંગે જવાબદારી લીધી હતી. આ સાથે 1 માર્ચે આતંકવાદી સંગઠન પોતાના નિવેદનથી પલટાઇ ગયું હતું. જૈશ ઉલ હિંદે જણાવ્યું હતું કે, અમારી લડત ભાજપ અને RSS સાથે છે. અંબાણીને અમારી તરફથી કોઈ ધમકી અપાઇ નથી. ભારતના કોઈ ઉદ્યોગપતિ સાથે અમારે કોઈ દુશ્મનાવટ નથી. અમારી લડત નરેન્દ્ર મોદી સાથે છે, જે ભારતના મુસ્લિમોને સતાવી રહ્યા છે.
જાણો સમગ્ર ઘટનાની વિગતો