લખનઉ: લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષની સાથે સત્તારૂઢ NDAએ પણ પોતાના ગઠબંધનને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. રાજકીય વ્યૂહરચના વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પા)ને NDAમાં સામેલ કરી છે. સુભાસ્પાના પ્રમુખ અને પૂર્વ મંત્રી ઓમપ્રકાશ રાજભર દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ પછી તેઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં જોડાયા હતા.
Omprakash Rajbhar: ઉત્તર પ્રદેશમાં NDA વધુ મજબૂત થઈ, ઓમપ્રકાશ રાજભર NDAમાં જોડાયા
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ફરી એકવાર NDA ગઠબંધનમાં સામેલ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સુભાસ્પા ભાજપના નેતૃત્વવાળી NDA સરકારમાં સામેલ થવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી.
ઉત્તર પ્રદેશમાં NDA વધુ મજબૂત:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઓમ પ્રકાશ રાજભર અને તેમના પુત્ર અરવિંદ રાજભરનું NDAમાં સ્વાગત કર્યું. અમિત શાહે ટ્વીટ કર્યું કે ઓમ પ્રકાશ રાજભરને દિલ્હીમાં મળ્યા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો. હું એનડીએ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું. રાજભર સાથે આવવાથી ઉત્તર પ્રદેશમાં NDA મજબૂત થશે અને ગરીબો અને દલિત લોકોના કલ્યાણ માટે થઈ રહેલા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.
રાજભર સમુદાય પર સારી પકડ: પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં રાજભર સમુદાયની મોટી સંખ્યા છે. જેમાં ઓમપ્રકાશ રાજભરની સારી પકડ છે. જેના કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. તેમને સરકારમાં કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કેટલાક વિવાદો અને તેમના વક્તવ્યને જોતા તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પછી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઓમપ્રકાશ રાજભર સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ, સમાજવાદી પાર્ટી બહુમતી મેળવી શકી નથી. હવે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ફરી એકવાર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં સામેલ થયા છે.