બેંગલોર :એક પિતા દ્વારા તેમની પુત્રી અને જમાઈ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ અરજીની સુનાવણી કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે, વૃદ્ધ માતા-પિતાના અંતિમ દિવસોમાં તેમની સંભાળ રાખવી તે બાળકોની નૈતિક, કાયદાકીય અને ધાર્મિક જવાબદારી છે. ચીફ જસ્ટિસ પી.બી. વરાલે અને જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતની ડિવિઝન બેન્ચે એક પિતા પ્રત્યે તેમની પુત્રી અને જમાઈના વર્તનનું અવલોકન કરતાં આદેશ આપ્યો હતો કે, માતા-પિતા દ્વારા જ્યારે મિલકત ભેટ આપવામાં આવે ત્યારે આ જવાબદારી વધી જાય છે.
આ બનાવની વિગત અનુસાર પુત્રી અને જમાઈએ પિતા પાસેથી ભેટમાં મિલકત મેળવ્યા બાદ પિતા પર હુમલો કરી તેઓને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ઉપરાંત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તુમકુર ઝોનના માતા પિતા કલ્યાણ અને વરિષ્ઠ નાગરિક ભરણપોષણ અધિનિયમ હેઠળ ટ્રિબ્યુનલના ડિવિઝનલ ઓફિસરના આદેશને સમર્થન આપ્યું હતું.
પિતા પાસેથી ઉપહાર વિલેખના રુપમાં પુત્રી દ્વારા સંપત્તિ અધિગ્રહણને અમાન્ય ઠેરવ્યું હતું અને હાઇકોર્ટની સિંગલ-સભ્ય બેન્ચના ચુકાદાએ તેને સમર્થન આપ્યું હતું. કર્ણાટક હાઇકોર્ટે કહ્યું કે, માતા-પિતાની સંભાળ રાખવી એ કોઈ દાનની બાબત નથી પરંતુ બાળકોની જવાબદારી છે. વૃદ્ધાવસ્થામાં તેમના માતા-પિતાની સંભાળ રાખવી એ બાળકોની વૈધાનિક જવાબદારી છે.
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, હજારો વર્ષોથી આ દેશના ધર્મગ્રંથો 'રક્ષન્તિ સ્થવિરે પુત્રઃ'નો ઉપદેશ આપી રહ્યા છે. આનો અર્થ એ છે કે બાળકો તેમના માતા-પિતાની સંભાળ રાખે છે, જેઓ તેમના જીવનના અંતિમ દિવસોમાં છે. હાલના કિસ્સામાં પુત્રીએ મિલકત ભેટમાં મેળવ્યા બાદ તેના માતા-પિતાની સંભાળ રાખી ન હતી. આટલું જ નહીં માતા-પિતાને માર મારવો અને ઘરની બહાર કાઢી મૂકવો એ ખૂબ જ પીડાદાયક છે.
માતા-પિતા દ્વારા બાળ શોષણના ઘણા કિસ્સાઓ વિવિધ કારણોસર ક્યારેય પ્રકાશમાં આવતા નથી. આ ખુશીની વાત છે કે કોર્ટ આવા અનેક મામલાઓનું નિરીક્ષણ કરી રહી છે. ડિવિઝન બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, આ ઘટનાક્રમ સ્વીકાર્ય નથી. અદાલતો, સત્તાધિશો અને ટ્રિબ્યુનલોએ આવા કેસોમાં અત્યંત સાવધાની અને સખ્તી રાખવી પડશે.
- Bihar Crime: બેગુસરાઈમાં આઠ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી
- સુપ્રીમ કોર્ટે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સામેની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો