- ગૂગલે દિલ્હી હાઇકોર્ટમાં CCI વિરુદ્ધ અરજી દાખલ કરી
- ગૂગલ સામેની તપાસનો અહેવાલ લીક કર્યો હોવાનો આરોપ
- એન્ડ્રોઇડ સ્માર્ટફોન કરારના દુરુપયોગને લઇને ગૂગલ વિરુદ્ધ થઈ હતી ફરિયાદ
- ગૂગલ પર અયોગ્ય વ્યાપાર યુક્તિઓનો ઉપયોગ કર્યાનો આરોપ
હૈદરાબાદ: ગૂગલે દિલ્હી હાઇકોર્ટમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજીમાં કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા પર ગૂગલ સામે કરવામાં આવેલી તપાસનો અહેવાલ લીક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ તપાસ રિપોર્ટ ગૂગલના એન્ડ્રોઇડ સ્માર્ટફોન કરારના દુરુપયોગની ફરિયાદ પર તપાસ બાદ બનાવવામાં આવ્યો હતો.
ગૂગલે અયોગ્ય વ્યાપાર રીતોનો ઉપયોગ કર્યો?
ગૂગલ પર આરોપ છે કે તેણે પોતાના પ્રભાવ અને નાણાકીય શક્તિ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ અને સંબંધિત બજારોમાં અયોગ્ય વ્યાપાર યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો. તેણે ડિવાઇસ કંપનીઓને ગૂગલ એપ્સને પ્રી-ઇન્સ્ટોલ કરવા માટે મજબૂર કરી. આ કારણે એન્ડ્રોઇડના વિકલ્પને વિકસિત કરવા અને વેચવાની ક્ષમતા ઓછી થઈ. જો કે ગૂગલે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે એન્ડ્રોઇડે કૉમ્પિટિશન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે, આને ઓછું નથી કર્યું.
CCIને સોંપવામાં આવેલો રિપોર્ટ લીક થયો
અરજીમાં ગૂગલે દલીલ કરી છે કે તેને હજુ સુધી CCI તરફથી તપાસ રિપોર્ટ મળ્યો નથી. 18 સપ્ટેમ્બર, 2021 ના રોજ, CCIના ડિરેક્ટર જનરલની કચેરીએ ગૂગલના એન્ડ્રોઇડ સ્માર્ટફોન કરારોની ચાલી રહેલી તપાસને લગતો એક ગુપ્ત વચગાળાનો અહેવાલ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાને સુપરત કર્યો હતો, જે લીક થઈ ગયો છે.
ગૂગલ વિરુદ્ધ તપાસ 2019માં શરૂ કરવામાં આવી
2 સંશોધન એસોસિએટ્સ અને કાયદાના વિદ્યાર્થીની ફરિયાદ બાદ ગૂગલ વિરુદ્ધ તપાસ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન માઇક્રોસોફ્ટ, એમેઝોન, એપલ અને સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગ અને શિયોમી સહિત 62 કંપનીઓ પાસેથી નિવેદનો લેવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જો CCIના તપાસ અહેવાલમાં ગૂગલ પર લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થાય તો તેના પર આર્થિક દંડ લગાવવામાં આવી શકે છે. જો કે અંતિમ નિર્ણય પહેલાં CCIના વરિષ્ઠ અધિકારીઓ રિપોર્ટની સમીક્ષા કરશે અને ગૂગલને પોતાનો બચાવ કરવાની બીજી તક આપશે.
યુરોપ અને અમેરિકામાં પણ ગૂગલ સામે તપાસ
ગૂગલ CCIના આદેશની વિરુદ્ધ ભારતની કોર્ટમાં અપીલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગૂગલની તપાસ યુરોપ અને અમેરિકામાં પણ થઈ છે. તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના એન્ટી ટ્રસ્ટ રેગ્યુલેટરે એન્ડ્રોઇડના કસ્ટમાઇઝ વર્ઝનને બ્લોક કરવા માટે ગૂગલ પર 180 મિલિયન ડૉલરનો દંડ લગાવ્યો છે.
લીક રિપોર્ટમા તથ્યો જેનાથી ગૂગલને ગુસ્સો આવ્યો
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલની વિરુદ્ધ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI)નો તપાસ રિપોર્ટ 750 પાનાનો છે.
- રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ગૂગલે ભારતના સ્પર્ધાના કાયદાનું ઉલ્લંઘન અને ડિવાઇસ નિર્માતાઓ પર અયોગ્ય દબાણ વધાર્યું.
- પોતાના પ્રભૂત્વ અને પ્લે સ્ટોર એપ સ્ટોરની સ્થિતિનો લાભ ઉઠાવીને મોબાઇલ અને અન્ય ડિવાઇસમા પોતાની એપ્સનું પ્રી ઇન્સ્ટોલેશન ફરજિયાત કરાવ્યું.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લે સ્ટોરની નીતિઓ એક તરફી, અસ્પષ્ટ અને મનસ્વી હતી, 2011થી જ ગૂગલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબલેટ માટે પ્રી ઇન્સ્ટોલેશનનો લાભ લઈ રહ્યું છે.