રાજસ્થાન :અશોક ગેહલોત જોધપુર જિલ્લાની સરદારપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. તેમણે ભાજપના મહેન્દ્ર સિંહ રાઠોડને 26,396 મતોથી હરાવ્યા છે. અશોક ગેહલોતને 96,869 વોટ મળ્યા હતા, જ્યારે બીજેપી ઉમેદવારને 70,463 વોટ મળ્યા હતા. જોકે મુખ્યપ્રધાન તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં અશોક ગેહલોત તેમના અગાઉના વિજયના આંકડા જાળવી શક્યા ન હતા. વર્ષ 2018 માં અશોક ગેહલોતે 45 હજારથી વધુ મત સાથે ચૂંટણી જીતી હતી. આ વખતે રેકોર્ડ બ્રેકિંગ મતોથી જીતનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે શક્ય ન બન્યું અને તેઓ 26,396 મતોથી જીત્યા છે.
સરદારપુરા બેઠક સૌથી હોટ બેઠકોમાંથી એક હતી કારણ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સીએમ અશોક ગેહલોત અહીંથી ચૂંટણી મેદાનમાં હતા. અશોક ગેહલોત અહીંથી સતત છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. તેઓ 1977 માં પહેલીવાર અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારથી તેઓ સતત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998 માં કોંગ્રેસ નેતા માનસિંહ દેવડાએ આ સીટ અશોક ગેહલોત માટે છોડી દીધી હતી. દેવડાના રાજીનામા પછી અશોક ગેહલોત અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. જોકે આ પહેલા તેમણે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. 1998 ની પેટાચૂંટણી બાદ ગેહલોત સતત છઠ્ઠી વખત સરદારપુરા બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે.
આ વખતે ભાજપ દ્વારા અશોક ગેહલોતની સામે પ્રો. મહેન્દ્રસિંહ રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેના નજીકના ગણાય છે, પરંતુ તેઓ અહીં બહુ અસરકારક સાબિત થયા ન હતા. આખરે તેમને સીએમ અશોક ગેહલોત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અશોક ગેહલોતની ચૂંટણી યાત્રા :
- 1999 : મેઘરાજ લોહિયાને 49,280 મતોથી હરાવ્યા
- 2003 : મહેન્દ્ર ઝાબકને 18,991 મતોથી હરાવ્યા
- 2008 : રાજેન્દ્ર ગેહલોતને 15,340 મતોથી હરાવ્યા
- 2013 : શંભુસિંહ ખેતાસરને 18,484 મતોથી હરાવ્યા
- 2018 : શંભુ સિંહ ખેતાસરને 45,597 મતોથી હરાવ્યા