હૈદરાબાદ: શું તમને એ દિવસો યાદ છે, જ્યારે લગભગ વિશ્વ આખું કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં કેદ થઇ ગયું હતું અને ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધતી અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું? માર્ગો સૂમસામ થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ કે પોલીસ વાન સિવાય કોઇપણ વાહનો માર્ગો પર દોડતાં ન હતાં. તે સમયે આપણે જોયું કે, પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર પ્રમાણમાં નીચું આવી ગયું હતું અને ભારતનાં ઉત્તર ભાગનાં કેટલાંક શહેરોમાં તો લોકોને ઘણે દૂરથી પર્વતોનાં દર્શન પણ થયાં હતાં. આ સાચે જ અસાધારણ ઘટના હતી, કારણ કે દાયકાઓથી આવું થયું નહોતું. તે સમયગાળામાં પર્યાવરણને નવજીવન મળી રહ્યું હતું, તે જોયા છતાં વાસ્તવમાં લોકડાઉનના ગાળાએ પર્યાવરણને તદ્દન અલગ રીતે પ્રભાવિત કર્યું હતું જે વિશે આપણાં પૈકીના ઘણા લોકોએ વિચાર્યું સુદ્ધાં નહોતું.
દરેક વ્યક્તિ ઘરમાં કેદ થઇ ગઇ હોવાથી તમામ ઘરોમાં પાણીનો વપરાશ વધી જાય, તે સ્વાભાવિક છે. આ રીતે ગંદું અને અસ્વચ્છ પાણી વધુ પ્રમાણમાં પેદા થયું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આપણા દેશની નદીઓમાં થતા કુલ પ્રદૂષણમાં ઘરોના પ્રદૂષિત પાણીનો ફાળો 70 ટકા કરતાં પણ વધારે છે. તેમાંયે વધુ ચિંતા જન્માવનારી બાબત એ છે કે, આ પ્રદૂષિત પાણીમાં અનેક પ્રકારનાં રસાયણો પણ રહેલાં હોય છે. જ્યારે મહામારીએ માથું ઊંચક્યું, તે સમયે લોકોને સાબુ અને પાણી વડે તેમના હાથ ધોવાની સલાહ આપવામાં આવતી હતી અને લોકો ચુસ્તપણે તે પ્રણાલીનું પાલન કરતા હતા. પરંતુ, તેના કારણે હવામાં ઘણાં કેમિકલ્સ મળી આવ્યાં, જે પાણીમાં પણ ભળ્યાં. આ પૈકીનાં કેટલાંક કેમિકલ્સ હાનિકારક પણ હતાં.
એક સમયે માત્ર હોસ્પિટલો અને ક્લિનિકમાં જ ઉપયોગમાં લેવાતાં ફેસ માસ્ક, પ્લાસ્ટિક કે રબ્બરનાં હેન્ડ ગ્લવ્ઝ જેવી ચીજો કોરોના કાળ દરમિયાન દરેક ઘરની અનિવાર્ય જરૂરિયાત બની ગયાં. લોકોએ સ્વયંના રક્ષણ માટે આ ચીજો પહેરવી જરૂરી હતી અને આ ચીજોનો હેતુ સરી ગયો, તે સાથે જ લોકો લાપરવાહીથી કચરા પેટીમાં તેને ફેંકવા માંડ્યા. આજે પણ ફેંકી દીધેલાં માસ્ક અને ગ્લવ્ઝ માર્ગો પર ખુલ્લામાં અહીં-તહીં રઝળતાં જોવા મળે છે. જ્યારે લોકો વપરાશમાં લીધેલી આવી સુરક્ષાત્મક ચીજવસ્તુઓ ખુલ્લામાં ફેંકી દે છે, ત્યારે કચરો ઊઠાવનારા સફાઇકર્મીઓ તે ચીજોનો ઉપયોગ કરે, તે શક્ય છે. આ ચીજોને ફેંકી દેતાં પહેલાં તેમને યોગ્ય રીતે ધોવામાં કે જંતુમુક્ત ન કરવામાં આવી હોવાના કારણે કચરો ઊઠાવનારા કર્મચારીઓ કે સફાઇકર્મીઓના કોરોનાના સંપર્કમાં આવવાની શક્યતા ઘણી વધી જાય છે. એટલું જ નહીં, તેઓ કોરોના ઉપરાંત અન્ય ચેપી રોગના સકંજામાં પણ સપડાઇ શકે છે.
માસ્ક અને ગ્લવ્ઝનો ઉપયોગ કરવાની આદત કેળવવાનો ઘણો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો, પણ તે ચીજોનો ઉપયોગ કર્યા બાદ તે નકામી બની જાય, ત્યાર પછી તેનો નિકાલ શી રીતે કરવો, તે વિશે જનતાને કોઇ માહિતી આપવામાં આવી ન હતી. જો આ સુરક્ષાત્મક ચીજોને ફેંકી દેતાં પહેલાં તેમને સાબુ વડે ધોવામાં આવે કે કેમિકલ સ્પ્રેનો ઉપયોગ કરીને તેમને જંતુમુક્ત કરવામાં આવે, તો તે ચીજવસ્તુઓ સલામત થઇ શકે છે.