- એપ્રિલ-મે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ખરાખરીનો જંગ
- મમતા સરકારે કરેલી બદલીઓમાં સૌથી ચોંકાવનારી બદલી કોલકાતા પોલીસ કમિશ્નરની હતી
- બિજીત કુમાર હાલમાં આદિજાતિ વિકાસ મંત્રાલયનાં વિશેષ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર બે મહિના જેટલો સમય બાકી છે. રાજ્યમાં થઈ રહેલી કથિત રાજકીય હિંસા વચ્ચે ચૂંટણીને લઈને પણ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, ચૂંટણી પંચ નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજાય તે માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. તાજેતરમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચે બિજીતકુમાર ધરને અતિરિક્ત ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
અરિંદમ નિયોગીની સંયુક્ત સચિવ તરીકે કરાઈ નિમણૂક
બિજિતકુમાર ધર હાલમાં રાજ્યનાં આદિજાતિ વિકાસ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. બિજીત કુમારની એડિશનલ CEO તરીકે નિમણૂક કરવા અંગે એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચે અરિંદમ નિયોગીને સંયુક્ત સચિવ તરીકે અને સૌરવ બારીકની રાજ્ય ચૂંટણી પંચની કચેરીમાં નાયબ સચિવ તરીકે નિમણુક કરી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અરિંદમ નિયોગી જમીન અને જમીન મહેસૂલ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી છે અને રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં નાયબ સચિવ તરીકે ફરજ પણ બજાવે છે.
ભાજપે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન થાય તે માટે કરી હતી ફરિયાદ
બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની ઉચિતતાને લઈને ઘણા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને ફરિયાદ કરીને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન થાય તે માટેનાં પગલાં ભરવા રજૂઆત કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ નિમણૂકો એડિશનલ CEO સાયબલ બર્મન, સંયુક્ત સચિવ અનામિકા મજુમદાર અને નાયબ સચિવ અમિત જ્યોતિ ભટ્ટાચાર્યની બદલી પછી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મમતા સરકારે કરેલી બદલીઓમાં સૌથી વધુ ચોંકાવનારી બદલી કોલકાતા પોલીસ કમિશ્નરની હતી. જ્યારે શુક્રવારનાં રોજ રાજ્યનાં મુખ્ય સચિવ અલાપણ બંધોપાધ્યાયે IPS અધિકારીઓની નિમણૂકની ઘોષણા કરી હતી.