અયોધ્યાઃ રામ મંદિરના દરવાજા, કળશ અને ગુંબજને સોનાથી મઢવાનું કામ શરુ થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર કારસેવકપુરમ કાર્યશાળા પરિસરમાં રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરના 14 દરવાજા પર સોનું મઢવામાં આવી રહ્યું છે. કારીગરો દરવાજા પર પાંચ સ્તરમાં સોનાના વરખ લગાડશે. આ કામ માટે દિલ્હીથી ખાસ કારીગરો અયોધ્યા આવી પહોંચ્યા છે. રામ મંદિર નિર્માણ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠાની પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. 22 જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડા પ્રધાન મોદી 100 મીટર ચાલીને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચશે.
રામ મંદિરના 14 દરવાજા સોને મઢેલ હશે મુગટમાં હીરા માટે અમદાવાદથી પ્રસ્તાવઃ અમદાવાદના એક હીરાના વેપારીએ પ્રુભ શ્રી રામના મુગટમાં હીરા જડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. પ્રુભ શ્રી રામમાં આસ્થા રાખતા દેશ અને વિદેશમાં વસતા ભક્તો, રામ મંદિર નિર્માણમાં પોતાની યથાશક્તિ અનુસાર રોકડ રકમ, ઘરેણાં, હીરા, મોતી, ચાંદી દાન કરી રહ્યા છે. રામ લલ્લા ટ્રસ્ટની યોજના અનુસાર પ્રભુ શ્રી રામને સોનામાંથી બનાવાયેલ મુગટ પહેરાવવામાં આવશે. તેમના હાથોમાં ધનુષ બાણ પણ રાખવામાં આવશે.
અતિથિઓને 1 કિમી ચાલવું પડશેઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22મી જાન્યુઆરીએ વડા પ્રધાનની ઉપસ્થિતિમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ભક્તોને વિનંતી કરી છે. જે અનુસાર ભકતોએ અયોધ્યામાં રામ મંદિરના દર્શને 26 જાન્યુઆરી બાદ આવવાનું રહેશે. જે અતિથિ મહાનુભાવોને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ અપાયું છે તેમણે અંદાજે 1 કિમી ચાલીને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચાવું પડશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જે અતિથિ વિશેષ લાંબા અંતર સુધી ચાલી ન શકે તેમજ લાંબા સમય સુધી એક જ સ્થાન પર બેસવા સક્ષમ ન હોય તેમણે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાનું ટાળવુ જોઈએ તેવી સ્પષ્ટતા કરી હતી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અપીલઃ 2 કલાક એક જ સ્થાન પર ન બેસી શકો તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન આવવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અપીલ કરી છે. સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠામાં 2થી અઢી કલાક જેટલો સમય લાગી શકે છે. તે દરમિયાન કોઈને બહાર આવવા કે જવા દેવામાં આવશે નહીં. તેથી એક જ સ્થાન પર બે કલાક જેટલા સમય ન બેસી શકનાર અતિથિ મહાનુભાવોએ આ કાર્યક્રમમાં આવવાનું ટાળવું જોઈએ તેમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવે છે.
100 મીટર ચાલીને જશે વડા પ્રધાનઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની યોજના અનુસાર 22મી જાન્યુઆરીએ વડા પ્રધાન અયોધ્યા પહોંચશે. અહીં સાકેત મહાવિદ્યાલય ગ્રાઉન્ડમાં તેમના માટે ખાસ હેલિપેડ તૈયાર કરવામાં આવશે. હેલિપેડથી રામ મંદિર સુધી તેઓ સડકમાર્ગે પ્રવાસ કરશે. અહીંથી તેઓ 100 મીટર ચાલીને પ્રભુ શ્રી રામના ગર્ભગૃહ સુધી પહોંચશે. વડા પ્રધાનના સુરક્ષા કાફલાને પરકોટાની બહાર રોકવામાં આવી શકે છે. વડા પ્રધાન પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં યજમાન બનવાના છે.
- Ram Mandir Updates: રામ મંદિરના ઉદ્દઘાટનના દિવસે ભવ્ય આયોજનો, દેશના 7 લાખ મંદિરમાં દીપ પ્રાગટ્ય થશે
- Ayodhya News: રામ મંદિર આસપાસની જમીન અધિગ્રહણ મુદ્દે વિવાદ, સાધુ સંતો અને ડીએમ વચ્ચે થઈ બેઠક