- સંસદના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા 26 બિલો રજૂ કરવામાં આવશે
- સત્રમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલનો સમાવેશ કરવામાં આવશે
- બિલમાં દેશમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) માટે 26 બિલોની સૂચિ તૈયાર કરવામાં આવી છે, જેમાં ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને ક્રિપ્ટોકરન્સી (Crypto Regulation) સંબંધિત બિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.
ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ 2021
લોકસભા તરફથી મળતી માહિતી અનુસાર, ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ 2021 ( Cryptocurrency Regulation Bill ) સંસદના શિયાળુ સત્ર ( Parliament Winter Session)દરમિયાન નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સત્તાવાર ડિજિટલ ચલણના નિર્માણ માટે સહાયક માળખું બનાવવા માંગે છે. આ પ્રસ્તાવિત બિલમાં ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે. જો કે, ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સંબંધિત ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે આમાં અપવાદો પણ જોવા મળી રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીના (Cryptocurrency) ઉપયોગ અંગે ન તો કોઈ પ્રતિબંધ છે, કે ન તો કોઈ નિયમન પ્રણાલી. આ પૃષ્ઠભૂમિ સામે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં ક્રિપ્ટોકરન્સી પર વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સંકેત આપ્યો હતો કે, આ મુદ્દા સાથે વ્યવહાર કરવા માટે કડક નિયમનકારી પગલાં લેવામાં આવશે. લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ, સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા સંબંધિત બિલો રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે.