નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં નેપાળની અંગત મુલાકાતે છે. જેને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કાઠમંડુના એક પબમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ભાજપ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરશોરથી હુમલો કરી રહ્યા છે.
વીડિયો શેર કરતી વખતે ભાજપના નેતાના પ્રહારો :ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ ટ્વિટર પર આ વીડિયો શેર કરતા રાહુલ ગાંધીને ઘેર્યા હતા. રાહુલ પર કટાક્ષ કરતા તેમણે ટ્વીટ કર્યું કે, આ રાહુલ ગાંધીના અંગત જીવનનો મામલો નથી. રાહુલ ગાંધી કોની સાથે છે ? શું ત્યાં ચીનના એજન્ટો છે ? શું રાહુલ ગાંધી સેના વિરૂદ્ધ ટ્વિટ કરે છે તે ચીનના દબાણમાં છે ? પ્રશ્નો પૂછવામાં આવશે ? સવાલ રાહુલ ગાંધીનો નથી દેશનો છે.
બીજેપી પ્રવક્તા પર પણ પ્રહાર : બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ રાહુલ ગાંધીને ઘેરવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે તેમની અંગત બાબત છે, પરંતુ રાજસ્થાનના જોધપુરમાં જ્યારે હિંસા થઈ રહી છે, ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાન સળગી રહ્યું છે. આ અંગે ચિંતા વ્યક્ત કરવાને બદલે રાહુલ ગાંધી નેપાળની એક નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળે છે. જ્યારે તેઓ ભારતના લોકોની સમસ્યાઓ વિશે જાણવા માટે તેમની સાથે હોવા જોઈએ.