અમદાવાદઃકોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજય માકને અદાણી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો બધું બરાબર છે તો સરકારને શેનો ડર લાગી રહ્યો છે ? અદાણીના શેરનું મૂલ્ય 10.5 લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે. તે મામલે યોગ્ય તપાસ થવી જોઈએ.
અદાણી ગ્રુપમાં ઘણી ગંભીર બાબતો: અજય માકને અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે અદાણી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે દેશમાં LICના 30 કરોડ પોલિસી ધારકો છે. આવી સ્થિતિમાં દરેક પોલિસી ધારકને નુકસાન થશે. અદાણી ગ્રુપમાં ઘણી ગંભીર બાબતો સામે આવી છે. આવી સ્થિતિમાં જેપીસી દ્વારા તપાસ જરૂરી છે.
જેપીસીની રચના માટે માંગ:માકને વધુમાં જણાવ્યું કે જ્યારે પણ દેશના શેરબજારમાં સમસ્યાઓ સર્જાઈ તેમની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવી. 1992માં હર્ષદ મહેતા, આ પછી 2001માં કેતન પરીખનો કેસ આવ્યો ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જેપીસીની રચના કરી હતી. તો કોંગ્રેસનો પ્રશ્ન એ છે કે જેપીસી ભૂતકાળમાં જ્યારે આવા જ કેસોની તપાસ કરી શકતી હતી તો હવે શા માટે નહીં?