દહેરાદૂન: ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના સકલાના પટ્ટીમાં રહેતા કમલેશ ભટ્ટનું દુબઈમાં 16 એપ્રિલના રોજ હાર્ટ એટેકથી મોત થયું હતું. પરિવારના સભ્યોના તમામ પ્રયત્નો બાદ મૃતદેહને ભારત લાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેઓ તેને લેવા ગયા ત્યારે જાણવા મળ્યું કે તેને દુબઈ મોકલી દેવામાં આવ્યો છે. હવે આ અંગે ગૃહ મંત્રાલય કે વિદેશ મંત્રાલય કંઈ બોલી રહ્યું નથી.
ઇટીવી ભારતે બંને મંત્રાલયોનો સંપર્ક કર્યો. જ્યારે અમે વિદેશ મંત્રાલયને પૂછ્યું કે શું અબુધાબીમાં ભારતીય દૂતાવાસ અને કમલેશના પરિવાર વચ્ચે માહિતીનો યોગ્ય આદાનપ્રદાન નથી. તેના જવાબમાં મંત્રાલયના સૂત્રોએ ફક્ત એટલું જ કહ્યું કે, તેઓ પ્રોટોકોલ શું છે અને આવા કેસોમાં જે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગેની માહિતી એકઠી કરી રહ્યા છે.
વધુ માહિતી એકઠી કરવા પર એવું જાણવા મળ્યું કે, આવા કિસ્સાઓમાં ગૃહ મંત્રાલય બ્યુરો ઓફ ઇમિગ્રેશન વિભાગની મુખ્ય ભૂમિકા છે. જ્યારે ઇટીવી ભારતે ગૃહ મંત્રાલય પાસેથી માહિતી માંગી હતી, ત્યારે સૂત્રોએ જણાવ્યું છે કે, આ મામલે સંપૂર્ણ વિગતો સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવી છે. ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ તેનો અભ્યાસ કરી રહ્યા છે. આ સિવાય અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.
કમલેશ દુબઈની હોટલમાં નોકરી કરતો હતો. તે ટિહરીના સેમવાલ ગામનો રહેવાસી હતો.
કમલેશના પરિવારે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, દુબઈમાં રહેતા સામાજિક કાર્યકર રોશન રતૂડીના પ્રયત્નોને કારણે 23 એપ્રિલની રાત્રે દુબઇના અબુધાબી એરપોર્ટથી એક કાર્ગો વિમાન (ઈતિહાદની ફ્લાઇટ) ત્રણ મૃતદેહોને લઈને દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટની બાજુમાં કાર્ગો ટર્મિનલ ગેટ નંબર 6 પર ઉતર્યુ હતુ. કમલેશની ડેડબોડી પણ આમાં સામેલ કરવામાં આવી હતી.
પરંતુ ભારતીય દૂતાવાસ દ્વારા રાત્રે 10 વાગ્યે એક આદેશ લેવામાં આવ્યો હતો કે બહારથી આવતા તમામ મૃતદેહોને લેવામાં ન આવે. આને કારણે પરિવાર કમલેશ ભટ્ટનો મૃતદેહ મળી શક્યો ન હતો.