નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ભારતમાં જીવન અને જીવનનિર્વાહની સમસ્યા ઊભી થઈ છે. બીજા દેશોની જેમ ભારતે પણ અનિવાર્યપણે લૉકડાઉન કરવું પડ્યું છે, જેથી રસીના અભાવમાં ચેપને ફેલાતો રોકી શકાય.
કોરોના આર્થિક પેકેજથી શું થશે, શું નહિ થઈ શકે ? - રાહત પેકેજ
MSMEથી માંડીને ફેરિયા અને ખેડૂતો અને શ્રમિકો સહિત સૌ માટે મોટું પેકેજ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. સરકારી એકમોના ખાનગીકરણની નીતિ પણ જાહેર થઈ છે. પરંતુ બેરોજગારોને કામ મળે તે માટે સરકારી ખર્ચ વધે અને ખેડૂતોને બિયારણમાં સબસિડી મળે તેની પણ જરૂર છે. નાના એકમોને અને વેપારીઓને તેમના કાયમી ખર્ચા માટે રાહત મળે તેનીય જરૂર છે.
54 દિવસ સુધી દેશનું કામકાજ થંભી ગયું તે પછી હવે કોરોના પોઝિટિવની સંખ્યા બમણી થવાનો દર ધીમો પડ્યો છે. કેટલાક ઔદ્યોગિક દેશોની તુલનામાં આ દર ઓછો થયો છે. પરંતુ તેના કારણે બહુ મોટું આર્થિક નુકસાનન દેશે ભોગવવું પડ્યું છે. ઉત્પાદન અટકી પડ્યું, રોજગારી અને આવક બંધ થઈ ગઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે કે 2020મા ભારતનું અર્થતંત્ર માત્ર 1.2 ટકા દરે જ વિકાશ પામશે. આગલા બે વર્ષો દરમિયાન 2018માં 4.3 ટકા અને 2019માં 6.8 ટકાનો વિકાસ દર નોંધાયો હતો.
બીજી બાજુ સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અહેવાલ અનુસાર એપ્રિલ 2020માં 11.4 કરોડો લોકોએ રોજગારી ગુમાવી હતી. તેમાંથી 20થી 30ની વય જૂથના 2.7 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી છે તે ચિંતાજનક છે.
રાહત પેકેજ
દેશ સામે આવી પડેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને સરકારે 20 લાખ કરોડ રૂપિયા વધારાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમાં જોકે વધારે ભાર બજારમાં નાણાંની પ્રવાહિતા વધારવા પરનો જ રહ્યો છે. બેન્કિંગ સિસ્ટમમાં વધારે ભંડોળ ઉપલબ્ધ થાય, તેમ જ બેન્કો MSME અને ફેરિયાઓને ધિરાણ આપે ત્યારે તેના માટેની ગેરેન્ટી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
સાથે જ કૃષિ, ઉદ્યોગ અને વેપારી સરળતા માટેના મહત્ત્વના સુધારાઓ પણ લાવવામાં આવી રહ્યા છે. તેમાં કૃષિ માળખાકીય સુવિધાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. એટલું જ નહિ જાહેર ક્ષેત્રના એકમોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશ માટેના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે. નાણાં પ્રધાને રોજેરોજ પત્રકાર પરિષદ કરીને જે નીતિ વિષયક નિર્ણયો જાહેર કર્યા છે તે આવકારદાયક છે, કેમ કે તેના કારણે ભારત મધ્યમ અને લાંબા ગાળે આત્મનિર્ભર બની શકશે.
જો આ સુધારા અને નાણાંકીય તરલતા માટેના પ્રયાસો યોગ્ય રીતે અમલમાં મૂકાશે તો ભારતીય અર્થતંત્રમાં કેટલીક મુશ્કેલીઓ છે તેનું નિવારણ થઈ શકશે. કોવીડ-19 પહેલાં જ આ મુશ્કેલીઓને કારણે અર્થતંત્ર ધીમું પડી ગયું હતું.
આમ છતાં અત્યારના તબક્કે ભલે મોટું પેકેટ જાહેર કર્યું, પણ સૌથી સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો બાકી જ રહ્યા છે. તે છે અર્થતંત્રમાં માગનું સર્જન કરવું. ઉત્પાદનો અને સેવા માટેની માગ ઘટી ગઈ તેના કારણે અર્થતંત્ર ધીમું પડી ગયું હતું અને તેના કારણે જ બેરોજગારી પણ વધી ગઈ હતી. પુરવઠાનું તંત્ર પણ અટકી પડ્યું છે અને પુરવઠાને લગતા બીજા મુદ્દાઓ પણ છે, પરંતુ તે પછીની વાત છે. હાલમાં ઉપભોગ વધે અને માગ વધે તે માટેના નીતિ વિષયક પગલાંઓ લેવા જરૂરી બન્યા છે.
લૉકડાઉનને કારણે લોકોએ રોજગાર ગુમાવ્યો અને આવકો બંધ થઈ ગઈ. રાજ્ય તરફથી રાહતો ના મળે ત્યાં સુધી ગ્રાહકોનો ઉપભોક્તા ખર્ચ વધે તેવી અપેક્ષા રાખવી અસ્થાને છે. બીજી બાજુ રિટેલથી માંડીને કોર્પોરેટમાં એવા બિઝનેસ પણ છે, જેનો કેટલો સ્થાયી ખર્ચ હોય છે. તેમના માટે કામકાજને ફરી શરૂ કરવું બહુ મુશ્કેલ થઈ શકે છે.
પેકેજમાં વધુ ભાર ધિરાણ આપવા પર મૂકાયેલો છે, તેમાં ફિક્સ કોસ્ટમાં સીધી રાહત આપવા માટેની કોઈ વાત નથી. અહીં એ વાત પણ નોંધવી જોઈએ કે વળતરની આશા હોય ત્યારે જ કંપનીઓ લોન લેવા જશે. લોન પર ચૂકવવાનું વ્યાજ બાદ કર્યા બાદ નફો થવાની આશા હોય તો જ લોન લેવાશે.
હાલમાં વસ્તુઓ અને સેવાઓની માગણી તળિયે જઈ પહોંચી છે ત્યારે આમાંથી કેટલી લોનો લેવાશે તેનો આધાર એ બાબત પર જ છે કે ગ્રાહકોની માગ કેટલી નીકળે છે. એટલે જ માગ ઊભી કરવા માટેના પગલાં લેવા માટેની વાત પર બધો આધાર આવીને ઊભો રહે છે.
આગળનો માર્ગ
માગ વધારવા માટેનો નીતિ વિષયક એક નિર્ણય જે લેવો જોઈએ તે છે નાણાંકીય સહાય કરવી. જાહેર ખર્ચ વધારવાની પણ જરૂરી છે, જેથી બેરાજગારોને કામ મળે. ખેડૂતોને બિયારણ માટે સબસિડી અને નાણાકીય સહાય કરવી જોઈએ. નાના વેપારીઓ અને MSMEના ફિક્સ્ડ કોસ્ટ હોય છે તે ભરપાઇ થઈ શકે તેવું કરવું પડે. એ જ રીતે ગરીબોને સીધી રોકડ સહાય પણ વધારવી રહી, કેમ કે તે લોકો તેમને મળતી સહાય રોજબરોજની વસ્તુઓ પાછળ તરત જ વાપરતા હોય છે.
કૃષિ અને MSME બંને થઈને લગભગ 80 કામદારોને રોજગારી પૂરી પાડે છે. આ બંને ક્ષેત્રોમાં રાહત અપાય તો રોજગારીની તકો વધશે. રોજગારી વધશે તો આવક વધશે અને તેનાથી ઉપભોગ અને માગ વધશે. એટલે આ ક્ષેત્રોને નાણાકીય સહાય કરવી જરૂરી છે, જેથી અર્થતંત્ર બેઠું થઈ શકે. તેના કારણે નાણાકીય ખાધની સમસ્યા ઊભી થશે, પરંતુ જીવન અને જીવનનિર્વાહની સામે તેની કોઈ વિસાત નથી.
-મહેન્દ્ર બાબુ કુરુવા, લેખક એચ.એન.બી. ગઢવાલ કેન્દ્રીય યુનિવર્સિટી, ઉત્તરાખંડના આસિસ્ટન્ટ પ્રૉફેસર છે. અહીં વ્યક્ત વિચારો લેખકના અંગત છે.