જર્મનીમાં કોવિડ-19નો પ્રથમ કેસ 27મી જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. સ્ટેનબર્ગ ખાતે જર્મન કારની સ્પેર સપ્લાયર કંપની વેબ્સ્ટાના 33 વર્ષના કર્મચારીનો ટેસ્ટ પોઝિટિવિ આવ્યો હતો. તેને ચીનના વુહાનના તેના સહકર્મી દ્વારા આ બિમારીનો ચેપ લાગ્યો હતો. ઇટલી, ઇરાન અને ચીનના પ્રવાસીઓ થકી આ વાઇરસ દેશભરમાં વ્યાપી ગયો હતો. 14મી એપ્રિલ સુધીમાં દેશમાં 1,32,210 કેસો નોંધાયા હતા. 3,495 લોકોનાં મોત થયાં છે. સંક્રમણને નાથવા માટે સરકારે અસરકારક રણનીતિ અપનાવી છે. સરકારની T3 પહેલ - ‘ટ્રેસ, ટેસ્ટ અને ટ્રિટ (સારવાર)’ સફળ નીવડી હતી. પ્રારંભિક નિદાન તથા સ્ક્રીનિંગને કારણે ઇન્ફેક્શન વધતાં અટક્યું હતું અને મોટી જાનહાનિ ટળી હતી. રોગચાળાના પ્રસરણનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે. 64,300 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. પ્રારંભિક ધોરણે એક ચેપગ્રસ્ત (સંક્રમિત) વ્યક્તિ પાંચથી સાત લોકોમાં વાઇરસ ફેલાવી શકે છે. આ વ્યાપ હવે ઘટીને 1.2થી 1.7 વ્યક્તિનો થયો છે. વર્તમાન સમયમાં 2,294 દર્દીઓ આઇસીયુમાંછી, જેમાંથી 73 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે.
જર્મન સરકારે રોગચાળાને નિયંત્રિત કરવા માટે અને નિવારણ કરવા માટે જવાબદાર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રોબર્ટ કોચ ઇન્સ્ટિટ્યૂટની મદદથી વાઇરસને ડામવા માટેનો આકસ્મિક પ્લાન વિકસાવ્યો હતો. સંસર્ગની ઝડપ ઘટાડવા માટે વિશાળ સંખ્યામાં કન્ટેઇનમેન્ટ ક્લસ્ટર્સ ઊભા કરવામાં આવ્યાં હતાં. 22મી માર્ચના રોજ રાષ્ટ્રીય કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી દેવાઇ હતી. લોકોને માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નિકળવાની છૂટ આપવામાં આવી હતી. જર્મનીમાં 132 કેન્દ્રોએ એક અઠવાડિયામાં કોવિડ-19ના 5,00,000 ટેસ્ટ હાથ ધર્યા હતા. અત્યાર સુધીમાં 13,50,000 ટેસ્ટ્સ કરવામાં આવ્યા છે. ડોક્ટરો લક્ષણો ધરાવનારા લોકોની ઓળખ કરીને તરત જ સારવાર શરૂ કરી દે છે. હેલ્થકેર સેક્ટર ટેલિમેડિસિનનો ઉપયોગ કરી રહ્યું છે.