સવાલઃ સરકાર નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર રાબેતા મુજબની કામગીરી ગણાવી રહી છે, ત્યારે “We the people of India” એવા નામ સાથે તમે તેના બહિષ્કારની જાહેરાત કરી છે તે શા માટે?
જવાબઃ એપ્રિલથી શરૂ થનારા NPRનો બહિષ્કાર કરવાનું આહ્વાન અમે કર્યું છે. શા માટે બહિષ્કાર? કેમ કે અન્યાયી અને ભેદભાવયુક્ત સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ, જે સરકાર બાદમાં લાવવા માગે છે તેને અટકાવવાનો આ એક માત્ર ઉપાય છે. બધા જ નાગરિકોની સૂચિ તૈયાર કરવાની સરકારની વાતનો અમે વિરોધ નથી કરતાં. આવી એક યાદી એટલે કે મતદાર યાદી છે જ. તે સિવાય આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ છે, જેના આધારે નાગરિકતા સાબિત કરી શકાય છે. સહેલાઈથી થઈ શકતી પ્રક્રિયા શા માટે ના કરવી? મતદાર યાદીને NRC ડ્રાફ્ટ તરીકે સ્વીકારી લો. જેમના નામ બાકી રહી ગયા હોય તેમને પાંચ કે છ મહિનામાં અરજી કરવા માટેનો સમય આપો. સરકારને લાગતું હોય કે તેમાં કોઈ વ્યક્તિ ખોટી રીતે આવી ગઈ છે, સરકાર તેની સામે વાંધો લઈ શકે. તેના બદલે સરકાર સમગ્ર જંગી પ્રક્રિયા ફરીથી કરવા માગે છે. તેમ કરવું જરૂરી છે? તે દસ્તાવેજો પર આધારિત હશે તો ભેદભાવ કરનારી નહિ બને? આસામમાં થયેલી NRC પ્રક્રિયાનો અનુભવ દર્શાવે છે કે તેના કારણે રાષ્ટ્રીય આપત્તિ સર્જાશે. આપણા અર્થતંત્રની હાલત નોટબંધીને કારણે થઈ તેવી જ હાલત NPR અને NRCના કારણે આપણા સમાજની થશે. તેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ.
સવાલઃ તમે શા માટે એવું કહો છો કે NRC પાછળ ભાજપનો છુપો એજન્ડા છે?
જવાબઃ હકીકતમાં ભાજપનો એજન્ડા એટલો છુપો રહ્યો નથી. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામમાં NRC પ્રક્રિયા થઈ તેમાં ભાજપની ઇચ્છા મુજબના પરિણામો આવ્યા નહિ. ભાજપને લાગ્યું કે NRCથી મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને તગેડી શકાશે અને હિન્દુઓને બચાવી લેવાશે. પરંતુ સર્વોચ્ચ અદાલતની દેખરેખથી કામ થતું હતું એટલે તેવું થઈ શક્યું નહિ. આસામમાં NRCને કારણે 19 લાખ વિદેશીઓ શોધી શકાયા, જેમાં બહુમતી હિન્દુઓ હતા. આસામમાં ભાજપની વૉટબેન્ક બંગાળી હિન્દુઓ છે એટલે તેમણે માગણી કરી કે NRC રદ કરો. પરંતુ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી આ વખતે ગમે તેમ કરી નાખીએ એમ તેમણે કહ્યું. તે પછી સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) છે જ, જેમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદ કરવામાં આવ્યો છે. કોઈ હિન્દુ વિદેશી તરીકે પકડાશે ત્યારે અમે તેમને CAA હેઠળ લઈ લઈશું. આ બદઇરાદો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં થોડા વધુ મતો મેળવવા માટે તમે સમગ્ર દેશમાં નાગરિકતાના મુદ્દાને છંછેડી રહ્યા છો.
સવાલઃ તો આમાં કોણ ભોગ બનશે?
જવાબઃ દેશનો દર ત્રીજો માણસ NRCને કારણે મુશ્કેલીમાં મુકાશે. આદિવાસી, દલિત અને ગરીબ કે જેમની પાસે કોઈ દસ્તાવેજો નહિ હોય તેમના માથે લટકતી તલવાર રહેશે.