ન્યૂઝ ડેસ્કઃ 21 જૂને પૂરા થતા અઠવાડિયે બેરોજગારીનો દર લૉકડાઉન પહેલાં હતો તે સ્તરે 8.5ટકાના દરે પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં તે 8.75 ટકા હતો, તે વધીને એપ્રિલ અને મે મહિનામાં 23.5 ટકા થઈ ગયો હતો. 3 મેના રોજ પૂરા થતા અઠવાડિયે તે 27.1 ટકાની ટોચે પહોંચી ગયો હતો. તે પછી ધીમે ધીમે તે નીચે આવ્યો છે. 31 મેના રોજ પૂરા થયેલા છેલ્લા અઠવાડિયે તે ઘટીને 20 ટકાથી પણ નીચે આવ્યો હતો.
જૂનમાં સૌથી ઝડપથી તે નીચે આવવા લાગ્યો. જૂનના પ્રથમ 3 અઠવાડિયામાં બેકારીના દરમાં ઝડપથી ઘટાડો થવા લાગ્યો. પ્રથમ 17.5 ટકા, તે પછી 11.6 ટકા અને હવે 8.5 ટકા પર ફરી આવી ગયો છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારી સૌથી ઝડપથી વધી હતી, અને હજી પણ તેમાં લૉકડાઉન કરતાં વધારે જ ઊંચો દર છે. 21 જૂને પૂરા થતા અઠવાડિયે શહેરી વિસ્તારોમાં 11.2 ટકાનો બેકારી દર છે. લૉકડાઉન પહેલાં હતાં કરતાં તેના કરતાંય હજી પણ બે ટકા બેકારી વધારે છે.
21 જૂનના પૂરા થતા અઠવાડિયે શહેરી વિસ્તારોમાં 11.2 ટકા દર હતો, તે એપ્રિલ અને મે કરતાં ઘટેલો છે. એપ્રિલ અને મેમાં બેરોજગારીનું પ્રમાણ વધીને 25.83 ટકાનું થયું હતું. 13 અઠવાડિયાના લૉકડાઉન દરમિયાન એવરેજ 23.18 ટકા બેરોજગારી દર રહ્યો છે. લૉકડાઉન અગાઉના 13 અઠવાડિયોમાં સરેરાશ બેકારી દર 9 ટકાનો હતો. ઘણા નગરો હવે ખુલવા લાગ્યા છે. મહાનગરોમાં પણ છુટછાટો મળવા લાગી છે. ચેન્નાઇમાં અને દિલ્હીમાં લૉકડાઉનમાં કડડાઇ અને છુટછાટમાં વારાફરતી ફેરફારો થતા રહ્યા. મુંબઈમાં લૉકડાઉન રહ્યું છે, પણ છુટછાટો મળી છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના 19 જૂનના અહેવાલમાં જણાવાયું હતું કે મૉલ્સમાં થોડી અવરવજર શરૂ થઈ છે. કોચી, દિલ્હી અને કોલકાતામાં પણ ગ્રાહકો દેખાયા હતા, પણ અગાઉની સરખામણીએ હજી ઘરાકી ઘણી ઓછી છે. નાના દુકાનદારો અને બજારોમાં પણ થોડી ઘણી હલચલ દેખાવા લાગી છે.
સૌથી વધુ નવી રોજગારી ગ્રામીણ વિસ્તારોમાં ઊભી થઈ છે. આગામી ચોમાસાના દિવસોમાં તે જળવાઈ રહેશે કે થોડો વધારો થશે તેમ લાગે છે. ગ્રામીણ ભારતમાં 21 જૂનના પૂરા થતા અઠવાડિયે બેરોજગારી દર ઘટીને 7.26 ટકાનો થયો છે. 22 માર્ચે લૉકડાઉન થયું તેના કરતાં આ દર ઓછો છે. તે વખતે બેરોજગારીનો દર 8.3 ટકાનો હતો. ફેબ્રુઆરી અને માર્ચમાં સરેરાશ બેકારી દર 7.34 અને 8.4 ટકાનો હતો. 13 અઠવાડિયાના લૉકડાઉન દરમિયાન સરેરાશ ગ્રામીણ વિસ્તારમાં સરેરાશ બેરોજગારી દર 20.3 ટકા થઈ ગયો હતો, તેના કરતાં આ ઘણો સારો છે. જોકે લૉકડાઉન પહેલાંના 13 અઠવાડિયા દરમિયાન સરેરાશ 6.8 ટકા બેરોજગારી હતી, તેના કરતાંય હજી વધુ બેકારી છે.લૉકડાઉનમાં છુટછાટને કારણે લોકોને ફરી રોજગારી મળતી થઈ છે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી વધી તેમાં સૌથી મોટો ફાળો મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કિમ (મનરેગા)ને કારણે છે. મે 2020માં 56.5 કરોડ શ્રમદિવસ થયા હતા, જે હાલના સમયમાં સૌથી વધારે છે. મે 2019માં મનરેગા હેઠળ 37 કરોડ શ્રમદિવસ થયા હતા તેના કરતાં આ ઘણો મોટો વધારે છે. લગભગ 53 ટકાનો વધારો થયો છે. મે 2020માં મનરેગાના કારણે 3.3 કરોડ પરિવારોને લાભ મળ્યો છે. તે પણ અગાઉના વર્ષ કરતાં 55 ટકાનો વધારો દર્શાવે છે.
જો કે, નવાઈની વાત એ છે કે એપ્રિલમાં બેરોજગારી સૌથી વધારે હતી, ત્યારે મનરેગામાં ખાસ કોઈ પ્રવૃત્તિમાં વધારો થયો નહોતો. એપ્રિલ 2020માં માનવ શ્રમદિન માત્ર 14.1 કરોડ થયા હતા, જે આગલા વર્ષના 27.4 કરોડ કરતાં ઓછા હતા. ગયા વર્ષે 1.7 કરોડ પરિવારનો ફાયદો થયો હતો, તેની સામે 1.1 કરોડ પરિવારનો જ કામ ળ્યું હતું.જૂનના આંકડાં દર્શાવે છે કે મનરેગાનું કામકાજ ચાલી રહ્યું છે. ગત વર્ષના જૂનની સરખામણીએ માનવ શ્રમદિનમાં 65 ટકાનો અને પરિવારોને લાભની રીતે ગત વખત કરતાં 95 ટકાનો વધારો નોંધાશે તેમ લાગે છે. ચોમાસુ સમયસર શરૂ થયું છે અને ગયા પખવાડિયે સરેરાશ હોય તેના કરતાં 32 ટકા વધારે વરસાદ પડી ગયો છે. તેના કારણે ખરીફની વાવણીનું પ્રમાણ ગત વર્ષની સરખામણીએ 39.4 ટકા વધારે થયું છે.
મનરેગા દ્વારા વધુમાં વધુ લોકોને રોજગારી, સમયસર આવેલો વરસાદ અને વાવણીની શરૂઆતને કારણે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો વધી છે અને તેથી બેરોજગારીનો દર એટલો નીચે આવ્યો છે. તેને ધ્યાનમાં લઈને સરકારે ગ્રામીણ વિસ્તારમાં પ્રવૃત્તિઓ પર વધારે ધ્યાન પણ આપ્યું છે. ગયા અઠવાડિયે જ ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની પણ જાહેરાત કરાઈ છે, જે ખાસ કરીને ગામડે ગયેલા શ્રમિકોને મદદ કરવા માટે છે. તેના માટે 50 હજાર કરોડની ફાળવણી કરવાની વાત છે, પરંતુ આ નવી કે વધારાની જોગવાઈ નથી. જૂની યોજનાને નવું નામ અપાયું છે. 115 જિલ્લાઓમાં 125 માનવશ્રમ જેટલી રોજગારી ઊભી કરવા માટે જૂની યોજનાઓને નવા નામે રજૂ કરાશે.
ગરીબ કલ્યાણ રોજગાર યોજના અને મનરેગા તે બંને વચ્ચે કેટલું ઓવરલેપ હશે તે સ્પષ્ટ નથી. જોકે ઑક્ટોબર 2020 સુધી ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર નીચો જ રહેશે તેવી શક્યતા છે. ચોમાસાનું કામકાજ અને લણણી સુધી રોજગારી ચાલતી રહેશે. ગામડામાં આટલી આવક વધે તેના કારણે થોડી માગ પણ નીકળશે તેવી અપેક્ષા છે.