નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ દિલ્હી હિંસા કેસ મામલે ચાર્જશીટ દાખલ કરવા અંગે દિલ્હી પોલીસે બે મહિનાનો સમય માગ્યો છે ત્યારે તેમની આ અરજીને કોંગ્રેસ કાઉન્સિલર ઇશરત જહાં એ પડકારી છે. આ અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરાશે.
24 જૂને હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી જેમાં ચાર્જશીટ અંગેની વિગતો માંગવામાં આવી હતી. જેના જવાબમાં દિલ્હી પોલીસે કોરોનાના કારણે ચાર્જશીટ દાખલ કરવા માટે બે મહિનાનો સમય માંગ્યો હતો. ઇશરત જહાં ના વકીલો દ્વારા આ અરજીને પડકારી જણાવવામાં આવ્યું હતું કે વધુ સમય આપવામાં આવે તો ચુકાદામાં પણ વાર લાગશે. ત્વરિત ન્યાય મેળવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાશે.
અરજીમાં ઇશરત જહાં પર વધુ કલમો લગાવવા અંગે પણ વિરોધ કરવામાં આવ્યો હતો.કેમકે તે ફક્ત શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહી હતી.
સ્પેશિયલ સેલ દ્વારા જે લોકોની આ મામલે UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેમાં ઇશરત જહાં, સફૂરા ઝરગર, ગુલ્ફિશા ફાતિમા, નતાશા નરવાલ, ખાલિદ સૈફી, તાહિર હુસૈન જેવાનુ નામ સામેલ છે. આ તમામ હાલ જેલમાં છે. જો કે દિલ્હી પોલીસ દ્વારા હજી સુધી આ સમગ્ર કાવતરુ ઘડનાર મુખ્ય આરોપીને શોધી શકાયો નથી.
આથી દિલ્હી પોલીસે લોકડાઉન અને કોરોના નું કારણ ધરી જણાવ્યું હતું કે આરોપીઓના ઇ-મેલ તથા કોલ ડીટેલ્સ ની તપાસ હજુ સુધી બાકી છે. જેના માટે તેણે 17 સપ્ટેમ્બર સુધીનો સમય માગ્યો છે.