આપણા સંક્રાંતિના દિવસે પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરીને અમેરિકા અને ચીને એવી આશા જગાડી છે કે, ઘટેલા તણાવના કારણે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં કંઈક રાહત મળશે. પ્રમુખ ટ્રમ્પ અને ચીનના ઉપ વડા પ્રધાન લીએ હસ્તાક્ષર કરેલા 86 પાનાની સમજૂતી મુજબ, બિજિંગે આગામી બે વર્ષ સુધી અમેરિકા પાસેથી 20 હજાર અબજ ડોલરની વધારાની ખરીદી કરવા સંમતિ આપી છે. જેથી વર્ષ 2018માં જે 42 હજાર અબજ ડોલરની નોંધાયેલી ખાધ ઘટાડી શકાય. અમેરિકાએ તેના પક્ષે ચીનથી આવતા 12 હજાર અબજ ડોલરના માલ પર 50 ટકા વેરો ઘટાડવા સંમતિ આપી છે અને વધારાના વેરા નાખવાની દરખાસ્ત રદ્દ કરી છે. વધુ મહત્ત્વના અને અગયત્યના મુદ્દાઓને આવરી લેતી બીજા તબક્કાની સમજૂતી વિશે એવી અફવાઓ છે કે, તે આ વર્ષના અંતે થનારી અમેરિકાના પ્રમુખની ચૂંટણી પછી થશે. આ અફવા દર્શાવે છે કે, વર્તમાન સમજૂતી માટે બંને મહાસત્તાની આર્થિક અને રાજકીય મજબૂરી જવાબદાર છે.
આ હદ સુધી વિકાસશીલ દેશોનાં મુશ્કેલીમાં મૂકાયેલાં અર્થતંત્રો માટે આ રાહત છે. સોવિયેત સંઘ સાથે શીત યુદ્ધ સમાપ્ત થયાના પગલે અમેરિકાના અમલદારોએ વર્ષ 1992માં જે નીતિ માર્ગદર્શિકા રૂપરેખા ઘડી તેમાં ‘અજય અમેરિકા’ની કલ્પના કરાઈ હતી. 1978માં ચીને આર્થિક સુધારાઓ અપનાવ્યા તે પછી અમેરિકાના નેતાઓ અને બહુરાષ્ટ્રીય નિગમો દ્વારા વિશાળ બજારને જીતવા માટેના પ્રયાસોએ ચીનને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનાવી દીધું. વર્ષ 1990ના દાયકામાં જે ચીન વૈશ્વિક ઉત્પાદનના માત્ર ત્રણ ટકા મૂલ્ય કરતાં ઓછા મૂલ્યનું ઉત્પાદન કરતું હતું તે આજે વિશ્વના ઉત્પાદનના એક ચતુર્થાંશ કરતાં વધુ ઉત્પાદન સાથે મહાસત્તાના હરીફ તરીકે વિકસી ગયું છે. 1985માં જે ચીન 60 કરોડ અબજ ડોલરની વેપાર અધિકતા (સરપ્લસ) મેળવી હતી તે વર્ષ 2018માં 420 અબજ ડોલરથી વધી ગઈ છે. વર્ષ 2016માં ટ્રમ્પે આ વેપાર અસંતુલનને ‘વિશ્વના ઈતિહાસમાં અભૂતપૂર્વ લૂંટ’ તરીકે વર્ણવી હતી અને ચીનના પ્રમુખ સાથે ઉકેલ માટે 100 દિવસની કાર્ય યોજના જાહેર કરી હતી.
કોઈ હકારાત્મક પરિણામ નહીં મળતાં અમેરિકાએ ચીનથી આયાત કરાતા માલ પર ભારે વેરા લાદી દીધા હતા. તેના પ્રતિકારમાં ચીને પણ અમેરિકાની આયાત અટકાવી દીધી હતી. આ સાથે અમેરિકામાં કૃષિ ક્ષેત્રમાં પણ કટોકટી સર્જાઈ જેના પગલે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં, જ્યારે મહાભિયોગ પ્રક્રિયા માથા પર ઝળુંબી રહી છે ત્યારે ચીન સાથે સર્વોપરિતાની સમજૂતી ટ્રમ્પ માટે તાત્કાલિક રાજકીય જરૂરિયાત બની ગઈ હતી. બીજી તરફ ચીન જેને તાઈવાન, હોંગકોંગ અને દક્ષિણ ચીન સમુદ્ર પર મોટી સમસ્યાઓ છે તેની પાસે અમેરિકા સાથે સૌહાર્દપૂર્ણ સમજૂતી કરવા સિવાય કોઈ આરો નહોતો.
વિશ્વમાં એકાધિકારવાળી વેપાર રીતો પર અંકુશ લાદીને વિકસિત દેશો સાથે સ્પર્ધામાં ટકી શકે તે માટે વિકાસશીલ દેશોને ટેકો આપવા અને વેપાર અને વાણિજ્યમાં સ્થિરતા લાવવાના પ્રશંસનીય ઉદ્દેશો સાથે સ્થાપિત વિશ્વ વેપાર સંસ્થાનું (WTO) આ રજત જયંતિ વર્ષ છે. એવા સમયે જ્યારે મોટાં રાષ્ટ્રો બધા માટે મુક્ત વેપાર અને લાભના તત્ત્વચિંતનમાં છિદ્ર પાડી રહ્યાં છે ત્યારે WTOના અસ્તિત્વની ઉપયોગિતા સામે શંકાઓ સર્જાઈ રહી છે. અમેરિકાની પાછલા બારણાની નીતિઓ WTOને નબળી પાડી રહી છે અને ચીન અને અમેરિકા તેમજ અમેરિકા અને યુરોપીય સંઘ વચ્ચે સંઘર્ષ નિર્માણ કરી રહી છે જેમાં દસ અબજ ડોલરના વેપાર અને વાણિજ્યનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ સરકારે તેના વેપાર સંબંધોના સંદર્ભમાં ભારત સાથે પણ સમસ્યાઓ સર્જવાનો પ્રયાસ કરી જોયો. પરંતુ તાજા પત્ર અહેવાલો મુજબ, તે પરસ્પર સંમત વેપાર સમજૂતીઓ તરફ ઝૂકી રહ્યું છે. સાત મહિના પહેલાં યુરોપીય સંઘે ભારત સરકારને ‘ખેડૂતોની આવક બમણી કરવાં લેવાયેલાં પગલાં અને ગ્રામીણ અને કૃષિ વિકાસ માટે રૂ. 25 લાખ કરોડ ખર્ચવા બનાવાયેલી યોજનાઓ’ વિશે પૂછ્યું હતું. અમેરિકાની સરકાર જાણવા માગે છે કે, ભારતે ઘઉંના ટેકાના ભાવ શા માટે વધાર્યા અને ઘઉં શા માટે વિક્રમજનક સ્તરે ખરીદવામાં આવી રહ્યા છે. મહાસત્તાઓ ‘પોતાનાં હિતોને પહેલી પ્રાથમિકતા’ આપી રહી છે અને અન્યો સાથે વેપાર યુદ્ધ છેડી રહી છે. તેઓ વાજબી સબસિડી પર એવી ગાંડી દલીલો સાથે પ્રશ્નો ઊઠાવી રહી છે કે, ભારત હવે વિકાસશીલ દેશ નથી. જો આવા અહંકારી અને વર્ચસ્વ સ્થાપિત કરવાનાં વલણો હટી જાય તો તમામ દેશો માટે નિષ્પક્ષ વિકાસ શક્ય બને.