આ પ્રશ્નના ઊંડાણમાં ઊતરવા માટે આપણે ભારતીય બંધારણના પાયાના વિચારો સુધી જવું જરૂરી છે. 350 વર્ષ સુધી ઇસ્ટ ઇન્ડિયા કંપની (વિશ્વની પ્રથમ એગ્રી-બિઝનેસ એમએનસી) દ્વારા શોષણનો ભોગ બન્યા બાદ ભારતીય ખેડૂતોની સ્થિતિ ભારે દયનીય થઇ ગઇ હતી. એક તરફ વિન્સ્ટન ચર્ચિલની નીતિઓને કારણે બંગાળે વિનાશક દુકાળનો સામનો કરવો પડ્યો અને બાકીનો આખો દેશ નિરાધાર હતો, ત્યારે વાઇસરોયની પાર્ટીઓમાં ‘જિન અને ટોનિક’ની છોળો ઊડતી હતી. ખેતી-સંગઠનોના નિરંકુશ શોષણના સાક્ષી બન્યા પછી ભારતના વ્યવસ્થાપકોએ સાતમી અનુસૂચિ (કલમ 246) થકી સ્ટેટ લિસ્ટમાં એન્ટ્રી 14માં ખેતીને અને એન્ટ્રી 28માં ‘બજાર અને હાટ’ને સ્થાન આપ્યું.
તેઓ રાજ્યોને તેમના રાજ્યમાં આવેલાં ખેતરો અને ઊપજ ઉપર સર્વોચ્ચ સ્વાયત્તતા આપવા ઇચ્છતા હતા, કારણ કે દરેક કદ તમામ ખેતરો અને બજારોને સાનુકૂળ આવતું નથી. દરેક ક્ષેત્ર અને ખેતી માટેની આબોહવાની સાથે-સાથે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ભિન્નતા પ્રવર્તતી હતી, કેન્દ્રીય નિયંત્રણ એક મોટો નીતિ દોષ બનશે અને સાથે જ તે પ્રત્યક્ષ અત્યાચાર પણ બનશે.
ધી એપીએમસી (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિઝ) એક્ટ એ સુનિશ્ચિત કરતો હતો કે, દેશના અત્યંત અંતરિયાળ વિસ્તાર સહિત સમગ્ર દેશના પ્રત્યેક ખેડૂત સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર થાય અને તેને તેની ઊપજનું વેચાણ કરવાની સમાન તક મળે. સાથે જ તે વેપારીઓ અને રિટેલરો માટે સ્ટોપ-ચેક તરીકે કાર્ય કરતો હતો, જ્યાં તેઓ આદર્શ ગુણવત્તા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરી શકતા હતા અને કોઇપણ ખેડૂત કે વેપારીએ અન્યાયપૂર્ણ ખરીદીનો સામનો ન કરવો પડે, તેની તકેદારી રાખતો હતો. એપીએમસી સમિતિ જે-તે વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ સહિત સ્થાનિક પ્રતિનિધિઓથી દોરવાતી હતી. એક વખત લિકેજ વિશે જાણ થઇ, જેમાં ખેડૂતો વેપારીઓના દબાણ હેઠળ આવીને ઊપજ વેચતા હતા અથવા તો તેમની સાથે અન્યાયપૂર્ણ સોદો કરવામાં આવતો હતો, ત્યારે વ્યવસ્થાપકોએ મંડી યાર્ડ ઉપરાંતના વિસ્તારને અને આંતર-રાજ્ય વિસ્તારને આવરી લેવા માટે એપીએમસીના ક્ષેત્રનું વિસ્તરણ કર્યું. આ પાછળનો હેતુ વ્યવસ્થાનું નિયમન કરવાનો અને સાથે જ લઘુતમ ટેકાના ભાવો (એમએસપી) ખેડૂતો સુધી પહોંચે, તે સુનિશ્ચિત કરવાનો હતો. મંડીની હાજરી વિના એમએસપી ખેડૂતો સુધી પહોંચાડવાનું કાર્ય લગભગ અશક્ય બની જશે. વેપારીની માફક ખાનગી ઉદ્યોગ ખેડૂતોને ટેકાના ભાવો પૂરા પાડે તેવો વિશ્વાસ રાખી શકાય નહીં.
ઐતિહાસિક રીતે, એક વખત ભાવ પર નિયંત્રણને સુરક્ષા પૂરી પાડનારાં નિયમનો હટાવી દેવાયા બાદ આપણે અમેરિકામાં તેમજ વિશ્વમાં કેરગિલ, લુઇસ ડ્રેફ્યસ વગેરે સહિતની કૃષિ વ્યવસાયની વિશાળ કંપનીઓનો ઉદ્ભવ અને વિકાસ જોયો છે. ખેડૂત સહકારી મંડળીઓ ક્રમશઃ પડી ભાંગી હતી અને “બજારનાં બળો”એ અમેરિકામાં કૃષિ મજૂરીના નવા યુગનાં મંડાણ કર્યાં હતાં. પરિણામે, 2020માં અમેરિકન ફાર્મ ડેટ 425 અબજ ડોલર છે ચાર કંપનીઓ વિશ્વના 70 ટકા કરતાં વધુ અનાજના પુરવઠાને નિયંત્રિત કરી રહી છે.
બિહારનો ધ્યાન દોરતો કિસ્સો
બિહારે 2006ના વર્ષમાં એપીએમસી એક્ટ રદ કરીને પ્રાઇસ ડિસ્કવરી માટે થઇને ખાનગી ક્ષેત્રને રાજ્યમાં આવવા અને સપ્લાય ચેઇન તથા બજારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે આકર્ષવાનો પ્રયત્ન કર્યો. હવે, વાસ્તવમાં તેમનાં તમામ ગણિત ખોટાં પડ્યાં. કૃષિ વ્યવસાયે કોઇ રોકાણ કર્યું નહીં, ઊલટું વેપારીઓએ ખેડૂતોનું વધુ શોષણ કરવા માંડ્યું, એપીએમસી એક્ટની ગેરહાજરીને કારણે તેઓ ઊપજ માટે સાવ તળિયાનો ભાવ ચૂકવવા માંડ્યા અને પછી તે ઊપજનો જથ્થો દર વર્ષે પંજાબ અને હરિયાણાની મંડીઓમાં વેચવા માટે લઇ જવા માંડ્યા. આમ, ગેરકાયદેસર વેપારને કાયદેસર બનાવવામાં આવ્યો અને ખેડૂતો વધુ હતાશ અને નિઃસહાય બન્યા.