સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટના વધી રહેલા વ્યાપને કારણે માહિતી અને પ્રસારણ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. આધુનિક ટેકનોલોજી આપણી મદદ તો કરે જ છે, સાથે સાથે તેનો ફાયદો અસામાજીક તત્વોને પણ મળી રહ્યો છે. જેને લઈને દેશની સુરક્ષા માટે પણ નવા પડકારો ઉભા થઈ રહ્યાં છે.
માહિતી અને પ્રસારણ ક્ષેત્રમાં ક્રાંતિ આવ્યા પહેલાં આતંકવાદીઓ દ્વારા ફેલાવવામાં આવેલા સંદેશા ઘણા લાંબા સમય પછી સામાન્ય જનતા સુધી પહોંચતા હતા. કોઈ પણ સંદેશો પહેલાં સરકારી એજન્સી પાસે પહોંચતો, તપાસ એજન્સી તેની તપાસ કરતી ત્યાર બાદ તે સંદેશો સામાન્ય લોકો સુધી પહોંચતો હતો. જેનાથી એકદમ વિપરિત હાલના સમયમાં સોશિયલ મીડિયાના વ્યાપને કારણે થોડી ક્ષણોમાં જ કોઈ પણ સંદેશો કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આતંકવાદીઓ ટેકનોલોજીની આ સુગમતાનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે.
એક વાત તો સ્પષ્ટ છે કે, ઈરાક અને સિરિયામાં આતંકી સંગઠન ISISએ પોતાની ગતિવિધિનો વ્યાપ વધારવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. શ્રીલંકામાં થયેલા ઈસ્ટરના વિસ્ફોટના માસ્ટર માઈન્ડ જાહરાન હાશિમે પણ આ ઘટનાનો અમલ કરવાના દિશા નિર્દેશ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપ્યા હતા.
આ વર્ષે માર્ચ મહિનામાં ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થયેલા ફાયરિંગમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. હુમલાખોરે આ ઘટનાનું જીવંત પ્રસારણ તેના સોશિયલ મીડિયા ચેનલ પર કર્યું હતું. આ ઘટનાને 'ક્રાઈસ્ટચર્ચ કિલિંગ' તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના બાદ ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડેન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ પ્રકારના આતંકી હુમલાઓ પર કાબુ મેળવવા પગલા લેવાનું શરુ કરી દીધું છે. 17 દેશોએ એક કરાર કરીને ઈન્ટરનેટ પર આતંકવાદ અને અશાંતિ ફેલાવનારા આર્ટિકલ પર રોક લગાવવાની શરુઆત કરી દીધી છે. આ કરાર અંતર્ગત 31 બીજા દેશ પણ અત્યાર સુધીમાં જોડાઈ ચુક્યા છે. ફેસબુક, માઈક્રોસોફ્ટ. ટ્વીટર અને યુટ્યુબ જેવી ઈન્ટરનેટ કંપનીઓએ પણ 'ગ્લોબલ ઈન્ટરનેટ ફોરમ ટુ કાઉન્ટર ટેરરિઝમનું (GIFCT) નિર્માણ કર્યું છે. જેના માધ્યથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ આતંકવાદના પ્રચાર પર રોક લગાવવામાં આવે છે.
GIFCT ઈન્ટરનેટ પર આતંકવાના પ્રચારને રોકવા માટે નવી ટેકનોલોજીના આદાન-પ્રદાન અને નવી શોધની પરસ્પર આપ-લે કરી રહી છે. ક્રાઈસ્ટચર્ચ જેવા હુમલા બાદ એ વાત પણ સામે આવી છે કે, હવે આતંકી સંગઠન ટેકનોલાજીનો ઉપયોગ કરીને પોતાના સંદેશાઓ ઓનલાઈન અપલોડ કરીને લોકો સુધી પહોંચાડે છે. હવે એવા સોફ્ટવેરની શોધ કરવામાં આવી છે જેની મદદથી ઈન્ટરનેટ પર અસામાજીક સંદેશાઓને પ્રસારિત થતા રોકી શકાય. જેના માટે આતંકી વિચારધારા રાખનારા લોકોનો એક વિશેષ ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં પણ આતંકી સંગઠનો દ્વારા તેમના સંગઠનનો પ્રચાર કરવા લાંબા સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. હિજબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીએ સોશિયલ મીડિયાના ઉપયોગથી અનેક યુવાઓને કાશ્મીરમાં આતંક ફેલાવવા પોતાની સાથે જોડ્યા હતા.
આતંકી સંગઠન જૈશ અને લશ્કર-એ-તૈયબાએ પણ ભારત માટે તેમનો ઈન્ટરનેટ પ્લાન બનાવ્યો છે. આ દુરૂપયોગને કારણે ભારતીય ગુપ્તચર એજન્સીઓ સમયાંતરે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવતી રહે છે. ઉલ્લેખનિય છે કે, GIFCT દ્વારા વિકસિત ઘણાં સોફ્ટવેર ઈન્ટરનેટ પર આતંકી સંદેશાઓને રોકવામાં સફળ રહ્યાં છે. જેના લીધે આગામી દિવસોમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકવાની જરુર નહીં પડે. સરકારી સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોએ પણ આતંકી ઘટનાઓ પર રોક લગાવવા સાથે મળીને કામ કરવાની જરુર છે. વર્તમાન સમયમાં ઈન્ટરનેટ સાથે જોડાયેલી સેવાઓ જેવી કે, ઈ-કોમર્સ, ઈમેલ વગેરે સામાન્ય જરુરિયાત બની ગઈ છે. જેના લીધે આતંકવાદીઓ આ સેવામાં અવરોધ પહોંચાડે નહીં તેવી રીતે તેનો ખતમો કરવો જરુરી છે.