ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાંચન વિશેષ : સુષ્મા સ્વરાજ: નામ સાથે જ આંખ સામે સર્જાય છે તસવીર

સુષ્મા સ્વરાજના નામ સાથે જ ચક્ષુ સમક્ષ એક તસવીર ઊભી થાય છે. એક સૌમ્ય ભાષી, સંસ્કારી, જ્ઞાની અને આત્મસન્માનથી ભરેલી નારીની તસવીર. એક સન્નારી. કપાળ પર મોટોમસ ચાંદલો, માથામાં પોતાના પ્રેમ માટેનું સિંદુર, દરેક ભારતીયના સન્માનના પ્રતીક સમી સાડી. હિન્દુ અને ઇંગ્લીશ બંનેમાં અસ્ખલિત બોલી શકતાં નેતા અને દરેક પ્રકારના રાજકીય અને બિનરાજકીય મુદ્દાઓ પર સારી પકડ ધરાવતા નેતા, જે જરૂર પડ્યે નરમ થઈ શકે અને જરૂર પડ્યે કઠોર પણ થઈ શકે.

Sushma Swaraj: An image is created in front of the eyes with the name
Sushma Swaraj: An image is created in front of the eyes with the name

By

Published : Mar 1, 2020, 10:56 AM IST

Updated : Mar 1, 2020, 5:03 PM IST

ન્યુઝ ડેસ્ક : ખૂબ જ સારા વક્તા અને એટલા જ ઉત્તમ સાંસદ. વિદેશ પ્રધાન તરીકે તેમણે કરેલી કામગીરીને કારણે ભારતને વિશ્વના નકશામાં વધારે સારી ઓળખ મળી. લોકચાહના ધરાવનારા આ નેતાએ ગત સાતમી ઑગસ્ટ, 2019ના રોજ વિદાય લીધી. તેમને મરોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આપણે પણ તેમની જીવનયાત્રાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીશું.

વાંચન વિશેષ : સુષ્મા સ્વરાજ: નામ સાથે જ આંખ સામે સર્જાય છે તસવીર

સુષ્મા સ્વરાજ વિશે લખવા માટે મોટું પુસ્તક પણ નાનું પડે. નરેન્દ્ર મોદીની સરકારમાં વિદેશ પ્રધાન તરીકે તેમણે સોશ્યલ મીડિયામાં વિશેષ હાજરી પુરાવી હતી. એટલું જ નહિ, તેઓ દેશના લોકોના દિલમાં પણ સ્થાન મેળવી શક્યા હતા. પોતાની ફરજ પ્રત્યેની, પોતાની પ્રતિબદ્ધતા પ્રત્યેની અને પોતાની દૂરંદેશી પ્રત્યેની તેમની નિષ્ઠા સ્વંય સ્પષ્ટ હતી. આજે પણ તેમના ટ્વીટર એકાઉન્ટની ટાઈમ લાઈન જોઈએ ત્યારે આ બાબતનો ખ્યાલ આવી જાય છે. તેમણે ટ્વીટર પર યાદગાર વાક્ય લખ્યું હતું કે ‘તમે મંગળ ગ્રહ પર ફસાઈ ગયા હશો, તો ત્યાં પણ ભારતીય રાજદૂતાલય તમારી મદદે પહોંચશે.’ એટલું જ નહિ, તેમણે છેલ્લે જે ટ્વીટ કર્યું હતું તેના કારણે દેશના લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

કાયદાનું ભણેલા સુષ્મા વિદ્યાર્થી કાળથી જ જાહેર જીવનમાં આવી ગયા હતા. કટોકટી વખતે તેઓ વિદ્યાર્થિની તરીકે સક્રિય થયા હતા અને બાદમાં સક્રિય રાજકારણમાં જોડાયા હતા. તેઓ એકથી વધુ ભાષા જાણતા હતા. પંજાબી, હિન્દી, ઉર્દુ, ઇંગ્લીશ અને હરિયાણવી પણ બોલી લેતા હતા. તેમને સાંભળનારા તેમના શબ્દોના જાદુમાં આવી જતા.

ઉત્તમ પ્રકારના વક્તા હોવાને કારણે તેમની આગવી છબી ઊભી થઈ હતી અને અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજન જેવા ઉત્તમ વક્તાઓની વચ્ચે પણ તેમણે પોતાનું સ્થાન જમાવ્યું હતું. વાજપેયી સરકાર માત્ર 13 દિવસ જ ચાલી હતી તે વખતે લોકસભામાં સુષ્મા સ્વરાજે આપેલું ભાષણ કોઈ ભૂલી શકે તેમ નથી. તેઓ મિલન સમારોહમાં પણ બોલવાના હોય ત્યારે તેમના વક્તવ્યને કારણે રંગ જમાવી દેતા હતા. વૈશ્વિક તખ્તા પર પણ તેમના વક્તૃત્ત્વને કારણે ભારતની શાન વધી હતી.

ભારતીય રાજકારણના પ્રખર મહિલા નેતા તરીકે જાણીતા થયેલા સુષ્મા સ્વરાજ ક્યારેય પડકારોથી ડરી જતા નહોતા. તેના કારણે જ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાના નેતા તરીકે સિનિયર અને સમજદાર નેતાની જરૂર પડી ત્યારે ભાજપે તેમને જ યાદ કર્યા હતા. દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બનવા માટે તેઓ અચકાયા વિના તૈયાર થઈ ગયા હતા.

મળતાવડા સ્વભાવના સુષ્મા સ્વરાજની વિશેષતા એ હતી કે વિપક્ષના નેતાઓ સાથે પણ તેમના સુમેળભર્યા સંબંધો રહ્યા હતા. જોકે કોઈક અગમ્ય કારણોસર તેમને ક્યારેય કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સાથે ફાવ્યું નહોતું. કદાચ તેમણે સોનિયા ગાંધી વડા પ્રધાન બને તે સામે બહુ આકરી વાણીમાં વિરોધ કર્યો હતો તે કારણ હોઈ શકે છે. 2004માં કોંગ્રેસને બહુમતી મળી ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મારે સંસદમાં જઈને બેસવાનું હોય અને માનનીય વડા પ્રધાન સોનિયા ગાંધી એવી રીતે સંબોધન કરવાનું હોય તેવી સ્થિતિ હું કલ્પી શકતી નથી. મારું રાષ્ટ્રીય ગૌરવ મને તેમ કરવા દેશે નહિ અને હું રાષ્ટ્રીય શરમની આ સ્થિતિમાં ભાગીદાર નહિ બનું'.

તેમણે એમ પણ કહ્યું હતું કે જો સોનિયા ગાંધી વડા પ્રધાન બનશે તો પોતે માથું મુંડાવી નાખશે. એટલું જ નહિ, પોતે ભોયતળિય જ સૂવાનું રાખશે અને માત્ર મગફળી ખાઈને ચલાવી લેશે. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે 1999માં સુષ્મા સ્વરાજ કર્ણાટકના બેલ્લારીમાં સોનિયા ગાંધી સામે લોક સભાની ચૂંટણી લડવા ગયા હતા અને તેઓ 56,000 મતોથી હારી ગયા હતા. મજાની વાત એ છે કે બેલ્લારીમાં ચૂંટણી લડવા ગયા ત્યારે તરત જ સુષ્મા સ્વરાજે કન્નડ ભાષા શીખવાનું શરૂ કરી દીધું હતું. એક જ મહિનામાં તેઓ સારી રીતે ભાષાને જાણતા થઈ ગયા હતા.

સુષ્મા સ્વરાજની જીવનયાત્રા

સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952માં અંબાલા કેન્ટોનમેન્ટમાં થયો હતો. તેમના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સિનિયર અને અગ્રણી નેતા હતા. તેમના પિતા અને માતા બંને મૂળ લાહોરના ધરમપુરા વિસ્તારના હતા. 13 જુલાઈ 1975ના રોજ તેમના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયા હતા. 1975માં કટોકટી સામેની લડત વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. તેમને સંતાનોમાં એક દીકરી છે, જેમનું નામ બાંસુરી છે.

સુષ્મા સ્વરાજની રાજકીયયાત્રા

1970ના દાયકામાં સુષ્મા સ્વરાજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માં જોડાયા હતા. ત્યારથી જ તેમની રાજકીય યાત્રા ઝડપથી આગળ વધવા લાગી હતી. 1977માં હરિયાણામાં જનતા દળના દેવી લાલની સરકાર બની ત્યારે તેમને માત્ર 25 વર્ષની ઉંમરે પ્રધાન બનાવાયા હતા. તેઓ સૌથી નાની વયના પ્રધાન બન્યા હતા. બે વર્ષ પછી 27 વર્ષની ઉંમરે તેમને હરિયાણા જનતા દળના વડા પણ બનાવાયા હતા. બાદમાં 1987થી 1990 દરમિયાન તેઓ હરિયાણામાં જ શિક્ષણ પ્રધાન બન્યા હતા.

ચાર વર્ષ સુધી તેમને જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં પણ સ્થાન મળ્યું હતું.

ચાર વર્ષ સુધી તેઓ હરિયાણા જનતા પક્ષના વડા તરીકે રહ્યા હતા.

તેઓ ભારતીય જનતા પક્ષના મહામંત્રી બન્યા હતા.

1990માં તેઓ રાજ્ય સભાના સભ્ય બન્યા હતા અને 1996માં તેઓ લોક સભામાં જીત્યા હતા.

વાજપેયીની સરકાર માત્ર 13 દિવસ ચાલી હતી, તેમાં તેમને આઈટી મિનિસ્ટર બનાવાયા હતા. 1998માં તેઓ ફરીવાર લોક સભા ચૂંટણી જીતીને આવ્યા હતા. 19 માર્ચથી 12 ઑક્ટોબર 1998 દરમિયાન તેઓ કેન્દ્રમાં પ્રધાન તરીકે હતા.

ત્યારબાદ 13 ઑક્ટોબરથી 3 ડિસેમ્બર 1998 દરમિયાન તેઓ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યા હતા. તેઓ હૌઝ ખાસ બેઠક પરથી જીત્યા હતા. જોકે બાદમાં તેમણે તે બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું, જેથી તેઓ સાંસદ તરીકે લોકસભામાં રહી શકે.

એપ્રિલ 2000માં તેમને રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા અને 20 સપ્ટેમ્બર 2000થી 29 જાન્યુઆરી 2003 સુધી તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં પ્રધાન તરીકે રહ્યા હતા. 29 જાન્યુઆરી 2003થી 22 મે 2004 સુધી તેમને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયમાં કેબિનેટ પ્રધાન બનાવાયા હતા.

એપ્રિલ 2006માં તેઓ પાંચમી વાર રાજ્ય સભામાં જીત્યા હતા. 2009માં તેઓ છઠ્ઠી વાર લોક સભામાં જીત્યા હતા. ત્રીજી જૂન 2003ના રોજ તેમને લોકસભામાં વિપક્ષના ઉપનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 21 ડિસેમ્બર 2009થી તેમને અડવાણીના સ્થાને મુખ્ય વિપક્ષી નેતા બનાવાયા હતા. 2014માં ફરી લોક સભામાં જીતીને આવ્યા તે પછી 26 મેના રોજ તેમને નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ પ્રધાન બનાવાયા હતા.

સુષ્મા સ્વરાજની મુખ્ય ઉપલબ્ધિઓ

સુષ્મા સ્વરાજે બહુ લાંબી સફળ કારકીર્દિ ભોગવી હતી અને અનેક બાબતમાં તેઓ પ્રથમ રહ્યા હતા.

1977માં તેઓ માત્ર 25 વર્ષની ઉંમરે હરિયાણામાં પ્રધાન બન્યા હતા.

તેઓ રાષ્ટ્રીય પક્ષના પ્રથમ મહિલા પ્રવક્તા બન્યા હતા.

તેઓ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યા હતા.

કેન્દ્રમાં કેબિનટ કક્ષાના પ્રથમ મહિલા પ્રધાન પણ તેઓ બન્યા હતા.

વિપક્ષના નેતા તરીકે પ્રથમ મહિલા નેતા હતા.

સુષ્મા સ્વરાજને મળેલા સન્માનો

હરિયાણા વિધાનસભાએ તેમને ઉત્તમ વક્તા તરીકેનો એવોર્ડ આપ્યો હતો.

2008 અને 2010માં બે વાર તેઓ ઉત્તમ સાંસદ તરીકે પસંદ થયા હતા.

આજ સુધીમાં ઉત્તમ સાંસદ તરીકેનું બહુમાન મેળવનારા તેઓ પહેલાં અને એકમાત્ર મહિલા સાંસદ છે.

મોદી સરકારમાં વિદેશ પ્રધાન તરીકેની તેમની કામગીરી ખૂબ વખણાઈ હતી. તેમણે દુનિયાભરમાં ભારતીય નાગરિકોને અંગત રસ લઈને મદદ પહોંચાડી, એટલું જ નહિ મુશ્કેલ સ્થિતિમાં ભારતીયોની સાથે બીજા દેશના નાગરિકોને પણ ઉગારી લેવાનું કામ તેમણે કર્યું હતું.

તેમના પ્રયાસોને કારણે તેમને એટલું બધું માન મળ્યું હતું કે આજેય ઘણા લોકો તેમને સુષ'મા' એ રીતે યાદ કરે છે. આવા નેતાને નાગરિકો સદાય યાદ કરતાં રહે છે.

Last Updated : Mar 1, 2020, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details