ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઇરસના જોખમ વચ્ચે ચૂંટણી યોજવાનો પડકાર

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ચૂંટણીઓ યોજવી તે કેટલું પડકારનું કામ હોય છે? તે વિશે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવત સાથે ઈટીવી ભારતનાં રિજનલ ન્યૂઝ કૉઓર્ડિનેટર સચીન શર્માએ વાતચીત કરી હતી.

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવત સાથે ખાસ વાતચીત
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવત સાથે ખાસ વાતચીત

By

Published : Jan 29, 2021, 12:48 PM IST

  • એક બૂથમાં 1000થી ઓછા મતો હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી
  • ભારતનાં કેન્દ્રીય ચૂંટણી પંચની રચના બંધારણની કલમ – 324 હેઠળ થઈ છે
  • NRIને પણ ઇ-બેલેટથી મતદાનની સુવિધા આપવા માટે કરાઈ છે ભલામણ

હૈદરાબાદ: કોરોના મહામારી વચ્ચે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં ચૂંટણી યોજવી એ કપરી બાબત છે. આ ઉપરાંત વર્ષ 2021માં દેશમાં 6 રાજ્યો સહિત 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ઈટીવી ભારતનાં રિજનલ ન્યૂઝ કૉઓર્ડિનેટર સચીન શર્માએ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવત સાથે ખાસ વાતચીત કરી હતી.

કોરોનાને લઈને આ વર્ષની ચૂંટણીઓ માટે વિશેષ વ્યવસ્થા


ઓ. પી. રાવતનાં જણાવ્યા પ્રમાણે, "કોવીડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બધા જ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીને એક ગાઇડલાઇન તૈયાર કરી છે. આ ગાઇડલાઇન પ્રમાણે ઉમેદવારી નોંધાવવી, ચૂંટણી પ્રચાર અને મતદાનની પદ્ધતિ વિશે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે." ચૂંટણી પંચે એક બૂથમાં 1000થી ઓછા મતો હોય તેવી વ્યવસ્થા કરી છે, જેથી દરેક મતદાન મથક પર ઓછી ભીડ થાય. તેના કારણે કુલ મતદાન મથકોની સંખ્યા વધી છે. બિહારની ચૂંટણી વખતે ચૂંટણી પંચે કોરોના ગાઇડલાઇનનો ચૂસ્તપણે અમલ કરાવ્યો હતો. આ જ પદ્ધતિથી હવે આગામી ચૂંટણીઓ યોજાશે. પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.

ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ સમગ્ર વહિવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં લાગી જાય છે

કેન્દ્ર સહિત રાજ્યોનાં ચૂંટણી પંચો અને અમલદારો વચ્ચે સંકલનની કેવી જરૂર હોય છે તે વિશે વાત કરતા રાવતે જણાવ્યું હતું કે, "બંને પંચોની પોતપોતાની જવાબદારીઓ અને સત્તા છે. ભારતનાં કેન્દ્રીય ચૂંટણી પંચની રચના બંધારણની કલમ – 324 હેઠળ થઈ છે. બાદમાં તેમાં સુધારા કરીને રાજ્યોમાં અલગ ચૂંટણી પંચોની રચના કરાઈ હતી. તેથી તે બંનેનું કાર્યક્ષેત્ર બિલકુલ અલગ છે." ભારતીય ચૂંટણી પંચનું વહિવટી માળખું રાજ્યોમાં હોય, ત્યાં તેના વડા તરીકે મુખ્ય ચૂંટણી અધિકારી હોય છે. મુખ્ય ચૂંટણી અધિકારીનાં હાથ નીચે રાજ્યનું વહિવટીતંત્ર કામ કરતું હોય છે. રાજ્યોનાં ચૂંટણી પંચની જવાબદારી રાજ્યોમાં ચૂંટણી યોજવાની હોય છે. જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે, જેમના હાથ નીચે જિલ્લા કલેક્ટર કામ કરતા હોય છે. સમગ્ર વહિવટીતંત્ર આમ તો સરકારી અધિકારીઓ જ ચલાવતા હોય છે. એક વાર જાહેરનામું બહાર પડી જાય તે પછી સમગ્ર વહિવટીતંત્ર ચૂંટણી અંગેની કામગીરીમાં લાગી જતું હોય છે.

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવત સાથે ઈટીવી ભારતનાં રિજનલ ન્યૂઝ કૉઓર્ડિનેટર સચીન શર્માની ખાસ વાતચીત
ઈવીએમની જવાબદારી સંભાળતા ડેપ્યુટી ઇલેક્શન કમિશનરની ભૂમિકા સૌથી અગત્યની''ઈવીએમની જવાબદારી સંભાળતા ડેપ્યુટી ઇલેક્શન કમિશનરની ભૂમિકા સૌથી અગત્યની બની જાય છે. વિવાદના સમયે અદાલતમાં અહેવાલ આપવાની જવાબદારી તેમના પર હોય છે. રાજકીય પક્ષોનો વિશ્વાસ જળવાઈ રહે તે રીતે કામગીરી કરવાની જવાબદારી તેમની હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આવી વ્યક્તિનો કાર્યકાળ લંબાવવા માટે ભલામણ કરતી હોય છે અને તે રીતે ભારત સરકાર તેનો કાર્યકાળ લંબાવી પણ આપતી હોય છે. જોકે ચૂંટણી પંચમાં નિમણૂક થાય ત્યારે અધિકારીનો કાર્યકાળ મર્યાદિત સમય માટે જ હોય છે. આવી વ્યક્તિ રાજકીય રીતે તટસ્થ હોવાનું લાગ્યા બાદ જ તેમની પસંદગી થતી હોય છે.'' એમ ઓ. પી. રાવતે વધુમાં જણાવ્યું હતું.

કોરોનાને કારણે ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નરને એક વર્ષનું એક્સટેન્શન


ઉત્તર પ્રદેશ ક્રેડરનાં નિવૃત્ત આઈએએસ અધિકારી અને હાલમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર તરીકે કામ કરતાં ઉમેશ સિંહાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. આ વિશે રાવતે જણાવ્યું કે, "પોતે ચૂંટણી કમિશનર હતા, ત્યારે સિંહા સિનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર હતા. તેઓ આયોજન અને વહિવટી કામગીરી સંભાળતા હતા. તેમની કામગીરીની નિષ્પક્ષતા પર શંકા ના થાય તેમ પોતાને લાગે છે. કોરોનાને કારણે ચૂંટણીના નિયમોનો અમલ બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે કરવાનો છે. ચૂંટણી વખતે રોગચાળો ના ફેલાય તે પણ જોવાનું હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું છે." તેમ રાવતે કહ્યું હતું.

એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં નિમણૂંક થવી અઘરી બાબત છે

ભૂતપૂર્વ ચૂંટણી કમિશ્નર અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે જોડાયા છે. 2020માં રાજીનામુ આપ્યા પછી તેમણે આ હોદ્દો સ્વીકાર્યો છે. તે વિશે રાવત જણાવે છે કે, "બેન્કનો આ હોદ્દો ખૂબ જ અગત્યનો હોય છે. તે હોદ્દા પર અરજી કર્યા સિવાય કોઈની નિમણૂંક થઈ શકતી નથી. અરજીની સારી રીતે ચકાસણી થયા પછી જ એશિયન ડેલવપમેન્ટ બેન્કમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવાય છે. જ્યાં કેટલાક ટેસ્ટ કર્યા બાદ જ નિમણૂંક થતી હોય છે."

પ્રવાસી રોજમદારોને મતદાનનાં અધિકારો આપવા અંગે સરકારને ભલામણ કરી છે


ચૂંટણી તંત્રની કામગીરી વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "રાજકીય પક્ષો દરેક પ્રકારના પાયાવિહોણા આરોપો મૂકતા હોય છે. ચૂંટણી પંચ આવી ફરિયાદોની તપાસ કરતું હોય છે અને તપાસમાં જે તથ્યો આવે તે સામે મૂકાતા હોય છે. તે પછી રાજકીય પક્ષો આખરે પરિણામો સ્વીકારી લેતા હોય છે." ચૂંટણી પદ્ધતિમાં સુધારાની જરૂર અને પ્રવાસી રોજમદારોને પણ મતદાનનાં અધિકારો આપવા અંગે રાવત કહે છે કે, "આ વિશે ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. રોજમદારો ઉપરાંત એનઆરઆઈને પણ ઇ-બેલેટથી મતદાનની સુવિધા આપવા માટેની ભલામણ કરાઈ છે."

ઓ. પી. રાવતનો પરિચય

ઓ. પી. રાવત 1977માં આઈએએસ અધિકારી બન્યા હતા અને છેલ્લે 2013માં ભારે ઉદ્યોગોના મંત્રાલયમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. બાદમાં ઑગસ્ટ 2015માં તેમની નિમણૂક ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી હતી. જાન્યુઆરી 2018માં તેઓ 22મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી કમિટિ ફોર કન્ટેન્ટ રેગ્યુલેશન ઑફ ગવર્નમેન્ટ એડવર્ટાઇઝિંગ (CCRGA)ના ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યા છે. ઉત્તમ વહિવટી કામગીરી બદલ તેમને 2008-09માં વડા પ્રધાનનો એક્સલન્સ અવૉર્ડ મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details